• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Telecom War: 70 Billion Debt In Telecom Industry

ટેલિકોમ વોરઃ કોણ તરશે કોણ-કોણ હવામાં ઓગળી જશે ? 

ટેલિકોમ વોરઃ કોણ તરશે કોણ-કોણ હવામાં ઓગળી જશે ? 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 4જીની ફ્રી ટ્રાયલ આપીને દેશના ટેલિકોમ ક્ષેત્રના પરિમાણો બદલી નાખ્યા છે. શરુઆતની ફ્રી ઓફર પછી હવે એક વર્ષ માટે મામૂલી ચાર્જ લઇને વોઇસ અને ડેટા સર્વીસ આપવાની મુકેશ અંબાણીએ જાહેરાત કરી ત્યારે હરીફોના કેમ્પમાં મિશ્ર લાગણીઓ પ્રવર્તતી હતી.ઘણા રોતા હતા, અરેરે બાપલિયા આપણે તો ગયા કામથી આટલું સસ્તુ આપણે તો નહીં આપી શકીએ! હવામાંથી લૂંટવાની આપણી દુકાનોના શટર ડાઉન થઇ જશે એવું વિચારીને ગમગીન થઇ ગયા તો કેટલાકે જીયોએ ચાર્જ વસૂલવાની શરુઆત કરી તેથી હવે તેનું વોલ્યુમ ઘટશે અને એનો ફાયદો તેમને થશે એમ માનીને આનંદિત થઇ ગયા હતા.પણ જે રીતની નાસભાગ મર્જર અને એક્વીઝીશન માટે થઇ રહી છે તે સ્પષ્ટ દર્શાવે છે કે ઉદ્યોગના અર્લી સ્ટાર્ટરો મુકેશભાઇ સામે ઝીક ઝીલવા માટે એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિમાં આવી ગયા છે.

એમાં પણ એક્વીઝીશન સ્પ્રીના સોહામણા શબ્દોને સાદી ભાષામાં કહીએ તો કંપનીઓનું હટાણુ કરવા નિકળેલ બીગ થ્રીને સામે એવી કંપનીઓ દેખાય છે કે જેમને લેવાથી કૂતરો મોંમા આવેલા હાડકાને ન ખાઇ શકે કે ન ગળી શકે એવી દશા દેખાય છે.એક મોટા જૂથે તો મોટા ઉપાડે વિદેશી કંપની સાથે મર્જર માટેના સપના સંયોજ્યા છે, પણ જમીની હકીકત તો એ છે કે તેમણે તેની બરોબરીની ભાગીદારી કરવી હોય તો પોતાની જૂથની કંપનીઓમાંથી ભરપૂર રોકાણ આ તરફ વાળવુ પડે! ટાટા જૂથે ડોકોમાને ચૂકવણી કરીને ટેલી સર્વીસનો ફાંસો ગળેથી કાઢવાની પેરવી કરવાની શરુઆત કરી હોવાનું જણાય છે.
 
ભારતની ત્રણ અગ્રણી મોબાઇલ ફોન ઓપરેટર્સ ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરના ઓક્ટોબર-ડિસેમ્બર 2016 ક્વાર્ટરમાં એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)માં તીવ્ર ઘટાડો થયો છે. રિલાયન્સ જીઓ ઇન્ફોકોમની ફ્રી વોઇસ અને ડેટા સર્વિસિસને કારણે ત્રણેય હરીફોની આવક પર ભારે દબાણ સર્જાયું છે.

ભારતી એરટેલની AGR ઉત્તરોત્તર ધોરણે 8 ટકા ઘટીને રૂ.11,500 કરોડ નોંધાઈ હતી જ્યારે વોડાફોન અને આઇડિયાની AGR અનુક્રમે 5.1 ટકા અને 4.9 ટકા ઘટીને રૂ.8,300 કરોડ અને રૂ.7,000 કરોડ નોંધાઈ હતી.આ બાબત પૂરવાર કરે છે કે સૌથી સસ્તુ મફતિયુ જ હોય ,એની આદત પાડ્યા પછી હવે સાવ સસ્તા ભાવે સેલ વાળો કિમીયો અપનાવી જીયો માર્કેટ કેપ્ચ્યોર કરવા કટીબદ્ધ થઇ રહી છે ત્યારે હરીફો બચવા માટેની નાણાકીય પેરવીમાં પડ્યા છે. ડિસેમ્બર’16 ક્વાર્ટરમાં સમગ્ર ટેલિકોમ ઉદ્યોગની AGR ઉત્તરોત્તર ધોરણે 7.3 ટકા ઘટી હતી એનો અર્થ એ થયો કે આટલો ફાયદો દેશના ટેલિકોમ વપરાશકારોને થયો હતો -થ્રી ચીયર્સ ફોર જીયો!!! સરકારને વાયરલેસ સર્વિસિસમાંથી મળતી આવક વાર્ષિક ધોરણે 8.5 ટકા ઘટી હતી પણ વેપારી સરકાર છે તો એ તો બીજેથી કમાઇ લેશે,બકા આપણે એની બહુ ફીકર કરવાની નહીં, નોટબંધી વખતે એમણે થોડો આપણો વિચાર કર્યો હતો? આ તો જીયોએ ઓફર લંબાવીને અણીના સમયે કેવું આપણુ ફેસબુક,વોટ્સએપ અરે આપણી ડિજીટલ દુનિયા ચાલુ રહેવા દીધી, સાચી વાતને ? કંપનીઓએ સરકારને લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યુસેજ ચાર્જિસ પેટે અમુક હિસ્સો આપવાનો હોય છે.

એક રિસર્ચ પ્રમાણે જીઓની ફ્રી વોઇસ અને ડેટા સર્વિસિસને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં ઉદ્યોગની AGR વાર્ષિક ધોરણે 5.9 ટકા અને ઉત્તરોત્તર ધોરણે 7.3 ટકા ઘટીને રૂ.34,600 કરોડ થઈ ગઇ હતી.જેમને ભાવિ ધૂંધળુ દેખાવા લાગ્યું છે તેઓ હવે ઓળીયોઘોળીયો ટ્રાઇ પર નાખવા માંગે છે. કહે છે કે ટેલિકોમ ઉદ્યોગની તંદુરસ્તી પર કેવી અસર પડશે તેની ચિંતા કર્યા વગર TRAIએ રિલાયન્સ જીઓને નિર્ધારિત 90 દિવસ કરતાં વધારે સમય સુધી તેની ફ્રી વોઇસ અને ડેટા સર્વિસિસ ચાલુ રાખવાની મંજૂરી આપી.

ઉદ્યોગની AGRમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો આ રિપોર્ટ આગામી દિવસોમાં ટેલિકોમમાં કુરુક્ષેત્રના એંધાણ આપે છે.એક અંદાજ પ્રમાણે જીઓની ફ્રી પ્રમોશનલ ઓફરને કારણે સરકારને કરવેરાની આવકમાં રૂ.685 કરોડની ખોટ ગઈ છે.જે કંપનીએ પોતે જ કાંઇ ગ્રાહક પાસેથી સીધું નથી , તેણે આટલી કમાણી કરી હોત તો સરકારને આટલી આવક થઇ હોત આવી વાતો કરનારા લોટ વેચી કરોડપતિ બનવા માગતા બ્રાહ્મણના સપનાની વાત જેવું કરે છે અને લોકોને ખોટા ભરમાવે છે.  

હવે વધુમાં  જીઓની પ્રમોશનલ ઓફર્સ અને તેની ફ્રી વોઇસ તથા ડેટા સર્વિસિસની ઉદ્યોગ પર કેવી અસર પડી છે તેનું મૂલ્યાંકન કરીને સમીક્ષા કરી પછી રાહતની માગણી પણ ઉઠશે કેમ કે  ટેલિકોમ ઉદ્યોગને સલામતી આપવા માટે સરકારે વિચાર કરવો જ પડશે નહીં તો  કંપનીઓએ સ્પેક્ટ્રમ હરાજીના અંદાજે 22 અબજ ડોલર (લગભગ રૂ.1,47,400 કરોડ)ના હપતા હજુ ભર્યા નથી તે ઘોંચમાં પડે.

ટેલિકોમ ઉદ્યોગના માથે અંદાજે 70 અબજ ડોલરનું દેવું છે ત્યારે ઉદ્યોગની નાણાકીય તંદુરસ્તીની સુરક્ષાનો વિચાર સરકારે અને ઉદ્યોગે કરવાનો છે પણ મુખ્યત્વે તો પોતાના ઉદ્યોગ-ધંધા માટેની પૂરી જવાબદારી ઉદ્યોગપતિઓએ જ લેવી જોઇએ અને સરકાર પાસે રોદણા રોઇને જનતાના ભોગે સરકારી લાભો કે કન્સેશનો  ખેંચવાની પેરવીમાં રહેવું ન જોઇએ.

અર્થ ગુરુ, કનુ જે દવે

(લેખક: વરિષ્ઠ પત્રકાર અને ઇકો-પોલિટિકલ એડવાઇઝર છે)
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Telecom War: 70 billion debt in telecom Industry
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.