• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Welfare Of The War With Pak, But Also On The Economic Front By Kanu J Dave

યુદ્ધ એ જ કલ્યાણ, પણ આર્થિક મોરચે!

યુદ્ધ એ જ કલ્યાણ, પણ આર્થિક મોરચે!
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, પણ આર્થિક મોરચે! આપણે હવે પાક્કો મોરચો માંડીને પાકિસ્તાનને પાઠ ભણાવી દેવો જોઇએ. કેમ કે આ મોરચો એવો છે કે જે પાકિસ્તાનને દરબદરની ઠોકરો ખાતું કરી એની સરકારને વિશ્વભરમાં ચપ્પણીયું લઇને માગવા છતાં ફદિયું પણ ન મળે તેવા હાલ કરી શકે અને સરકારની આ અવદશા થકી ત્યાંની પ્રજા ત્રાહિમામ પોકારે ત્યારે તેને મદદ કરી ભારતે તારણહાર બની જનમત ભારતની તરફેણમાં કરી આતંકવાદ અને પાકના નાપાક શાસનને ખત્મ કરી જનમત થકી પાકને જોડી દઇ બ્રીટીશરોને પણ દેખાડી દેવું જોઇએ કે ભારતીય સંસ્કૃતિ જોડોની છે તોડોની નહીં, એમણે કરેલી ભૂલ સુધારીને વિશ્વને એક નવું ઉદાહરણ પૂરું પાડવું જોઇએ. સરકારે પાકિસ્તાનની આર્થિક તબાહી નોતરવા સૌથી પહેલા તો એના ચલણ પાકિસ્તાની રૂપિયાને તહસનહસ કરી દેવો જોઇએ જેથી આં.રા.વિશ્વમાં એ નાદાર થઇ જાય. 
 
હાલ 104 પાકિસ્તાની રૂપિયા આપે તો 1 ડોલર મળે છે પણ આપણે એક ડોલર 68 રૂપિયામાં જ મળે છે. આ બાબત પાકિસ્તાનની આર્થિક નબળાઇ સૂચવે છે. આપણા એક રૂપિયા સામે પાકિસ્તાનના 1.57 રૂપિયા મળે . સામાન્ય નિયમ છેઃઆપણી આર્થિક તાકાત વધારવાની અને પાકિસ્તાનની ઘટાડવાના પગલા લેવાના જેથી 10 રૂ. આપીને પણ પાકિસ્તાનને ભારતનો એક રૂપિયો ન મળે એવી સ્થિતિ લાવવાનો વ્યૂહ તૈયાર કરવા ભારતીય રિઝર્વ બેંકના ભૂતપુર્વ ગવર્નર રઘુરામ રાજન,ભૂતપુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ તથા અન્ય નિષ્ણાતોની એક કમિટીને વન પોઇન્ટ પ્રોગ્રામ આપવો જોઇએ કે પાકિસ્તાનની નબળાઇઓ વિશ્વભરમાં ઉજાગર કરે જેથી કોઇ એને મદદ કરવા જ તૈયાર ન થાય.
 
બીજી તરફ આં.રા. સ્તરના નિષ્ણાત સટોડિયાઓની મદદ લઇ પાકિસ્તાની રૂપિયા પર હૂમલો કરવો અને તેને 1 ડોલર મેળવવા પોતાના પાંચ રૂપિયા ખર્ચવા પડે તેવો અંજામ લાવવો. આમ કરવાથી પાકિસ્તાન એવી ભીંસમાં આવી જશે કે નવાઝ શરીફ ની દશા ચોરની મા કોઠીમાં મોં ઘાલીને પણ રોઇ નહીં શકે તેવી થઇ જાય. આમ કરી સરકાર સૌને સાથે રાખીને ચાલે છે એનો લોકોને એહસાસ થશે, અને ભૂતપુર્વ વડાપ્રધાનને મોદી કેટલા માનથી જોવે છે એ મુદ્દો પોઝીટીવ થઇ જશે. રાજને તો ચૂપકિદી પૂર્વક પોતાની ટર્મ પૂરી થતા વિદાય લીધી અને વિદાય વેળાએ પ્રવર્તમાન સરકારે તેના યોગદાન બદલ જે સૌજન્ય દાખવવું જોઈએ તે પણ ન દાખવ્યું તેની વૈશ્ચિક આર્થિક જગતમાં ટીકા થઈ રહી છે એ ભૂલ પણ આમ કરીને સુધારી શકાશે. માતૃભૂમિના  સરહદે રક્ષણ માટે જેમ સૈનિકોના સમર્પણની જરૂર હોય છે તેમ દેશની પ્રજાના ચીરકાલીન અને ઓલરાઉન્ડ વિકાસ  માટે વિદ્વાનોની પણ એટલી જ જરૂર છે.

 વિદ્વદ્જનોનું સન્માન જાળવવામાં કેન્દ્રની એનડીએ સરકાર શરૂઆતથી કાચી પડી રહી છે. વિદ્વાનોએ એવોર્ડ પરત કર્યાં ત્યારે એનડીએના સૌજન્યહીન વાજિંત્રોએ જે શોરબકોર મચાવ્યો તે જ આ નીતિના પુરાવાઓ છે.એ હવે સુધારવાની જરૂર છે, સત્તા સ્થાને બેસીને વિપક્ષોની જેમ દેકારો ન મચાવાય એ સરકારી સત્તાધીશોએ સારી પેટે સમજી લેવાની જરૂર છે. ડેપ્યુટી ગવર્નર તરીકે ઉર્જીત પટેલ  રઘુરામની ટીમમાં પહેલેથી જ હોવાથી નીતિ વિષયક બહુ મોટો આંચકો ન પણ આવે પરંતુ આવતા મહિને ડો. ઉર્જિત પટેલ વ્યાજદરમાં આંશિક ઘટાડો કરે છે કે નહીં તે તરફ સૌની નજર મંડાયેલી છે ત્યારે પાકિસ્તાન સાથેની તંગદિલીને પણ તેમણે ધ્યાનમાં લેવી પડશે. મુંબઈ, પૂના, બેંગ્લોર,દિલ્હી અને અનેક મોટા શહેરો તથા આં.રા. સ્તરના પોર્ટપોલિયો મેનેજરોને પોતાના ગ્રાહકો તરફથી સતત આવતી યુદ્ધ અંગેની ઈન્કવાયરીઓનો જવાબ આપવાનું અઘરું પડી રહ્યું છે. 

આમ તો ભારત પાકિસ્તાનના સંબંધો જે રીતે સદાય અનિશ્ચિત રહ્યા છે તે જ રીતે યુદ્ધ પણ અનિશ્ચિત છે છતાં પણ સર્જીકલ સ્ટ્રાઇકથી કામ નહીં સરે તો એકવાર તો ઓપરેશન પાકિસ્તાન કરવું પડશે અને તે યુદ્ધના મોરચે હશે તો આપણને પણ ઘસરકા પડવાના જ. ફન્ડામેન્ટલી શેરબજારનો અભ્યાસ કરનારાઓ અને ટેકનિકલ ચાર્ટની મદદથી બજારની ચાલની આગાહી કરનારા એનાલિસ્ટો ભારતીય અર્થતંત્રને વધુ સમૃદ્ધ દિશા તરફ ગતિમાનગણાવે છે છતાં શેરબજારોની સંવેદનશીલતાના કારણે યુદ્ધના ધડાકા-ભડાકાઓ સાથેબજારમાં કડાકાઓ જોવા મળી શકે છે, જોકે એ હંગામી હશે પણ આ અસરમાંથી બચી શકાય તેમ નથી.અને આ ઓથાર હેઠળથી બજારને બહાર આવતા સમય લાગશે. જોકે કાશ્મીરમાં હવે આંતરિક સ્થિતિ થાળે પડી રહી છે તે બજારને માટે સાનુકૂળ સંકેત છે પરંતુ સરહદે તંગદિલી રોકાણકારોને પારોઠના પગલા ભરવાનું સૂચન કરી જાય છે.
 
ઈન્ટરનેટ પર અને સોશિયલ મીડિયામાં પણ યુદ્ધની આશંકા હજાર મુખે વહેતી થયેલી છે. ટ્વિટર પર દેશના ટોચના એક આર્થિક સલાહકારને તેના ફોલોઅરે પૂછયું કે ભારત-પાકિસ્તાન યુદ્ધ થશે તો મારા પોર્ટફોલિયોનું શું થશે? યુદ્ધની દહેશતના આ વાતાવરણમાં હવે મારે ક્યા શેર ખરીદવા?એના જવાબમાં પેલા નિષ્ણાતે ટ્વિટ કર્યું કે પાકિસ્તાનમાં કોફિન બનાવનારી જે કંપનીઓ હોય એના શેરમાં રોકાણ કરવું તમારા માટે નફાકારક નીવડશે! આ પ્રકારની હળવી પણ અર્થગંભીર ટીકાઓને સલામ કરી રોકાણકારોએ પોતાના વ્યુહ ઘડવા જોઇએ. વર્તમાન  વાતાવરણમાં મોટા ભાઇની ભૂમિકા બજાવવા ભારતીય જીવન વીમા નિગમે પણ નીચા ભાવ આવે તો  સક્રિય ટેકા માટે તૈયારી કરવી જોઇએ. 

સીધાં રોકાણો અને મ્યુ. ફંડ્સ મારફત રોકાણો વચ્ચે જામી રહી છે હવે તંદુરસ્ત સ્પર્ધા
 
ભારતીય  બજારોમાં શેરમાં સીધા રોકાણો અને મ્યુચ્યુઅલ ફંડો મારફત રોકાણો વચ્ચે  નવેસરથી સ્પર્ધા થઇ રહી છે એ એક તંદુરસ્તીની નિશાની  છે. મ્યુચ્યુઅલ  ફંડોએ રોકાણકારોને લિક્વીડિટીના અનેક નવા વિકલ્પો અને સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ કક્ષાના વ્યવહારો સુધીની ઉદારતા સાથેની યોજનાઓ સાથે અત્યારે બજારમાં ધૂમ મચાવી છે. દેશની ટોચની કંપનીઓ પણ પોતાના શેરબજારના રોકાણનો મહત્ત્વનો ભાગ હવે મધ્યમથી લાંબા ગાળા માટે મ્યુચ્યુઅલ ફંડો તરફ વાળી રહી છે ત્યારે મિડીયમ અને લોંગ ટર્મમાં માનતા રોકાણકારોને ઘણા સમયથી રોકાણ કરવાનો મોકો મળ્યો ન હતો તે હવેના ઘટાડામાં મળે તેમ છે. દેશમાં કોમર્સ અને ઈ-કોમર્સ નવા જ પ્રકારના યુગમાં પ્રવેશ્યા છે.એક તરફ સમગ્ર બજારને કરમાળખાના નવા સપનાઓ દર્શાવતા જીએસટીના અવતરણની શહેનાઈ વગાડવામાં નાણાં મંત્રાલય વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ ઘટતી જતી નિકાસના આંકડાઓ ચેતવણીની ઘંટડી વગાડી રહ્યા છે.આપણે આપણો આર્થિક મોરચો સંભાળીએ , અને પાકિસ્તાનને આર્થિક મોરચે શિકસ્ત આપીએ એ જ આપણી સહી બંદગી ગણાશે.
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: welfare of the war with Pak, but also on the economic front by Kanu J dave
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.