• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Personal Finance »Experts» If The Techno-Economy Fundamentals Identify The Value Of An Investment

લાંબાગાળાના મજબૂત મૂડીરોકાણ માટેના સાત સોનેરી સૂત્રો

લાંબાગાળાના મજબૂત મૂડીરોકાણ માટેના સાત સોનેરી સૂત્રો
ત્રીજા-ચોથા ધોરણમાં ભણતા ત્યારે ભણવામાં એક વાર્તા આવતી હતી કે, એક હતો બગલો અને એક હતો કાગડો. બગલો તળાવમાં કલાકો સુધી એક પગે ઊભો રહીને માછલીઓનો શિકાર કરતો. એંઠવાડ અને સડેલી ચીજવસ્તુઓથી પેટ ભરતાં કાગડાને થયું કે, આપણે પણ બગલાની જેમ શિકાર કરીને તાજા-માજા થઇ જઇએ. કાગડાએ બગલાની શિકાર કરવાની સ્ટાઇલની નકલ કરીને છીછરા પાણીમાં એક પગે ત્રણ-ચાર મિનિટ ઉભો રહીને થાક્યો અને નાનકડી માછલી પકડવા જેવી ચાંચ નાંખી કે, પગ થઇ ગયા હવામાં અદ્ધર અને માથું ફસાઇ ગયું શેવાળમાં. ત્યારે બગલાએ આવીને કાગડાને બચાવીને કહ્યું કે, ‘‘ કરતાં હો સો કિજિયે, અવર ન કિજિયે કોય, માથું રહે શેવાળમાં અને પગ આકાશે હોય’’!! નક્કલમાં અક્કલ ના હોય....!
 
લાંબાગાળાના મૂડીરોકાણ માટેના સાત સોનેરી સૂત્રો

ટ્રેન્ડ કે ઇકોનોમિ નહિં મૂડીરોકાણ મૂલ્ય પસંદ કરોઃ હોંશિયાર રોકાણકારો મૂડીરોકાણ વિકલ્પ પસંદગી સમયે મૂડીરોકાણ મૂલ્ય ઉપર ધ્યાન આપશે. જ્યારે સામાન્ય કેટેગરીના રોકાણકારો સેન્સેક્સ, ઇકોનોમિ, ટ્રેન્ડ ઉપર ધ્યાન આપશે. ઘણીવાર એવું જોવા મળે કે, ઇકોનોમિ, ટ્રેન્ડ કે ફન્ડામેન્ટલ્સને માર્કેટ સંપુર્ણપણે ફોલો કરવામાં નિષ્ફળ જાય છે. ગુરુવારે સેન્સેક્સમાં 700 પ્લસનો કડાકો આવે અને શુક્રવારે 500 પ્લસ પોઇન્ટનો બાઉન્સબેક તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. લાંબાગાળાના રોકાણકારોએ મૂડીરોકાણ મૂલ્ય ઉપર ફોકસ રાખવું જોઇએ. કહેવાનો સહેજે આશય નથી કે, માર્કેટ ટ્રેન્ડ, ઇકોનોમિ કે ટેક્નોફન્ડામેન્ટલ્સ ઉપર ધ્યાન જ ના આપશો...

કુલ રિયલ રિટર્ન ઉપર ધ્યાન રાખોઃકાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય  કહેવત અનુસાર નાના પાયે અને નિયમિતરીતે બચત-મૂડીરોકાણની પાળ બાંધતા રહેશો તો લાંબાગાળાના મૂડીરોકાણનું સરોવર ભરાતું રહેશે. મૂડીરોકાણ સમયે મોટાભાગના રોકાણકારો કેપિટલ ગેઇન, ડિવિડન્ડ, વ્યાજ સહિતની આવક ઉપર લાગતા ઇન્કમ ટેક્સ અને ઇન્ફ્લેશનની ગણતરી કર્યા સિવાય રિટર્નની ગણતરીમાં રાચતા રહે છે. પરંતુ તેના કારણે ઇન્વેસ્ટમેન્ટ કોસ્ટ ઊંચી જવાથી રિટર્નમાં ખાડો પડે છે. ફિક્સ્ડ ઇન્કમ સિક્યુરિટીઝમાં વધુ પડતું રોકાણ કરવાના બદલે ઇક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ ઉપર પણ થોડું ધ્યાન આપવું જોઇએ.

આંધળુ અનુકરણ કરવાનું ટાળોઃ મિત્રો, પરીવારના સભ્યો, પડોશીઓથી માંડીને અમારા જેવાં કટારલેખકો પૈકી દરેકની મૂડીરોકાણ તરાહ તેમની કમાણી, જરૂરીયાત, સગવડ અનુસાર અલગ હોય છે. તમારા ભાઇએ શેરબજારમાં 2011માં રોકેલી મૂડીના મૂલ્યમાં આજે 200 ટકા વધારો થઇ ગયો હોય તેનું અનુકરણ કરીને મૂડીરોકાણ કરો તો...પરીવારના કોઇ સભ્યે રૂ. 3 લાખમાં ખરીદેલા ફ્લેટની કિંમત રૂ. 40 લાખ થઇ ગયા પછી તે એરિયાનો ભાવ બંધાઇ ગયા પછી અનુકરણ કરો તો...કટાર લેખકે બેન્ક એફડી ઉપરનો વ્યાજદર 9.75 ટકા હોય ત્યારે રોકાણની સલાહ આપી હોય અને હવે એફડીમાં નાણા રોકો તો...ટૂંકમાં આંધળું અનુકરણ નહિં, આયોજનના આધારેત આર્થિક ક્ષમતા, આર્થિક જરૂરિયાતોને સમજીને સ્રોતની પસંદગી કરો.

ફ્લેક્સિબલ અને વૈવિધ્યકૃત રહોઃઆધુનિક મૂડીરોકાણ વિશ્વમાં સૌથી સલામત ગણાતા બેન્ક એફડીથી માંડીને સૌથી વધુ જોખમી ગણાતા શેરબજારોની ચાલ વોલેટાઇલ રહે છે. તે સંજોગોમાં માત્ર બેન્ક એફડી, માત્ર શેરબજાર કે માત્ર સોના-ચાંદીમાં જ મૂડીરોકાણ કરવાનો દુરાગ્રહ છોડીને વૈવિધ્યકૃત પોર્ટફોલિયો તૈયાર કરો. જેથી વોલેટિલિટીનો લાભ ઉઠાવી શકો..

થોડું જોખમ ઉઠાવવાની હિંમત કેળવોઃ એ સમય અલગ હતો અને હાલનો સમય અલગ છે એવું કહીને પાછી પાની કરનારાઓ ક્યારેય સફળતાના સમય સુધી પહોંચી શકતાં નથી. પરંતુ દરેક વ્યક્તિએ એક લક્ષ્ય નિર્ધારીત કરવું જોઇએ. લક્ષ્ય અનુસાર આયોજન, શક્ય હોય તેટલો અમલ કરતાં રહેવું જોઇએ તો એ સમય આવશે કે નક્કી કરેલા લક્ષ્યને સાવ હાંસલ નહિં કરી શકો તો નજીક જરૂર પહોંચી શકશો. જરૂરી છે સિસ્ટમેટિક અને અનસિસ્ટેમેટિક રિસ્ક ઉઠાવવાની.

ભૂલોમાંથી શીખવાની તૈયારીઃ સફળ થયેલા લોકો ભૂલના મૂળ સુધી પહોંચીને તેનું પુનરાવર્તન ના થાય તેની કાળજી રાખે છે. એકની એક ભૂલ વારંવાર કર્યે રાખવાથી ખોટના ખડકો જ ઊભાં થશે. ઉદાહરણ તરીકે, શેરબજારમાં ડે-ટ્રેડિંગ અને ફ્યુચર ઓપ્શનમાં માર ખાતા રોકાણકારો એક દિવસ તો નસીબ ચમકશે જ તેવા મિથ્યા આશાવાદમાં રોજ મૂડી ઘસતાં રહે છે. પરંતુ તે ભૂલને અટકાવતા નથી. ખાસ કરીને જ્યારે મૂડીરોકાણ સંબંધી નિર્ણય લેતાં હોય ત્યારે અગાઉ કરેલી ભૂલો ઉપર નજર નાંખી લો. ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ લો.

પોર્ટફોલિયોનું સમયાંતરે નિરીક્ષણ-મૂલ્યાંકનઃ તેજીમાં તો સૌ કોઇ કમાય. પરંતુ મંદીના સમયમાં મૂડીના રક્ષણ સાથે યોગ્ય રિટર્ન મેળવી શકે તે સફળ રોકાણકાર! તેના માટે જરૂર હોય છે વેત અને વેતો, ધન, ધ્યાન અને ધીરજ, કુશળતા, શિસ્ત, સતત નિરીક્ષણ અને સમયાંતરે મૂલ્યાંકન. કોઇપણ બજારમાં તેજી કે મંદી કાયમી હોતા નથી કે જેથી રોકાણ ઉપર સતત વોચ અને મૂલ્યાંકન પણ જરૂરી હોય છે.
 
(Experts Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Personal Finance Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: If the techno-economy fundamentals Identify the value of an investment
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.