• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Global» Rupee Bayonet Bullish Due To Spices The Bond Strong By Biren Vakil

મસાલા બોન્ડના જોરદાર પ્રતિસાદથી રૂપિયામાં સંગીન તેજી

મસાલા બોન્ડના જોરદાર પ્રતિસાદથી રૂપિયામાં સંગીન તેજી
(તસવીર પ્રતિકાત્મક)
 
મસાલા બોન્ડને વિદેશી રોકાણનો સુંદર પ્રતિસાદ મળતા અને મોરેશિયસ ટ્રીટી નવા નાણાંકીય વર્ષથી અમલી બનતા કરન્સી બજારમાં ડોલરનો પૂરવઠો માંગ કરતા ઘણો વધ્યો હતો અને પરિણામે રૂપિયાની તેજીને નવું જોમ મળ્યું હતું. ડોલર સામે રૂપિયાની અકલ્પનિય ટુંકાગાળાની તેજીથી નિકાસ આધારિત કંપનીઓને મોટો ફટકો પડ્યો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ઘણી સોફ્ટવેર, ટેક્સટાઇલ, એગ્રી કોમોડિટી કંપનીઓની બેલેન્સશીટમાં ફોરેક્સ લોસ નોંધપાત્ર હશે. રૂપિયાની એકધારી તેજીને રોકવા હવે રિઝર્વ બેન્કે દરમિયાન થવું પડે.
 
જો રૂપિયો વધુ મજબૂત થશે તો ચીન, બાંગ્લાદેશ, થાઇલેન્ડ, વિયેતનામ, કોરિયા, આફ્રિકા ઠેકઠેકાણેથી ભારતમાં આયાતી માલોનું ડમ્પિંગ થશે. ઘરઆંગણાના કુટિર અને લધુ મધ્યમ ઉદ્યોગોની માઠી દશા થશે. વિનિમય દરમાં વધુ પડતી વોલેટાલિટી મહાકાય ઉદ્યોગો માટે પણ ફાયદાકારક નથી. રૂપિયો 68.88 થી એકધારો વધીને 65.85 થયો છે. ટેકનિકલી રૂપિયો ઓવરસોલ્ડ છે. એટલે 65.30 - 65.55 સુધી કરેક્શન આવી શકે, પરંતુ વધઘટે 64.40 - 64.15 સુધીની શક્યતા છે. આગળ પર ફેડની નાણાનીતિ અને ચોમાસાની ચાલ મહત્વની રહેશે.વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સમાં ઘટ્યા ભાવથી સારો સુધારો આવ્યો છે. ડોલર ઇન્ડેક્સ 98-65થી સુધરીને 100.50 થયો છે. યુરો 1.0950થી ઘટીને 1.0680 થયો છે. બ્રિટને યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવા આર્ટિકલ 50નું અમલીકરણ કર્યું હતું.
 
હવે બે વર્ષ યુરોપિયન યુનિયન અને બ્રિટન વચ્ચે કટુતાભરી વાટાઘાટો ચાલશે. બ્રિટને યુનિયનના હાર્દ બ્રસેલ્સ પર જનોઇવઢ ધા કર્યો છે અને બ્રસેલ્સ આનો બદલો લેવા બ્રિટનને કોઇ પણ જાતની રાહત આપે તેવી સંભાવના જણાતી નથી આનો આડકતરો લાભ ચીન અને અમેરિકાને થશે. વધુ ફાયદો ચીન ઉઠાવશે. સૌથી વધુ નુકશાન યુપોરિયન યુનિયનને છે. બ્રિટનને શરૂઆતમાં નુકશાન પણ લાંબાગાળે ફાયદો જ ફાયદો છે.બજારોની વાત કરીએ તો સોના-ચાંદી અને બેઝ મેટલ્સમાં સમરમંથને કારણે સુસ્ત કારોબાર છે. કટપીસ બજારો છે. સોનાની તુલનાએ ચાંદી મક્કમ છે. જાન્યુઆરીથી માર્ચમાં સોનું 8 ટકા વધ્યું પણ ચાંદી 16 ટકા વધી. ચાંદી સામાન્ય રીતે મે માસમાં ટોપ બનાવે અને સોનુ જુનમાં બોટમ બનાવે તથા સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટોપ બનાવે. કોમેક્સ સોનાની રેન્જ 1217-1278 ડોલરની છે. કામચલાઉ થોડું નરમ લાગે છે. ચાંદીની રેન્જ 16.66-19.73 છે, જો 17.77 ઉપર ટકી રહે તો અને 18.88 વટાવીને ટકે તો 19.73 આવી શકે. સ્થાનિક સોનાની રેન્જ 27770-29230 છે. ચાંદીની રેન્જ 40400-44200 છે.
 
બેઝ મેટલ્સમાં કટપીસ બજાર છે. વધઘટે અને વોલ્યુમ સારા છે. જોબરો અને શોર્ટટમ ટ્રેડર્સ માટે બજાર સારી છે. બેઉ બાજુના ભાવ મળે છે. ઝિંક અને લીડમાં તથા નિકલમાં ઉછાળે વેચવાલી આવે છે. ઝિંક વધારે કમજોર, લીડ ઓછું કમજોર અને એલ્યુમિનિયમ પ્રમાણમાં મજબૂત છે. કોપર 416થી તૂટીને 380 થયું જ્યારે એલ્યુમિનિયમ 130થી ઘટી 126 થયું. ઝિંક 206થી ઘટીને 180 થયું. લીડ 164થી ઘટી 151 થયું. નિકલ 754થી ઘટી 654 થયું. બેઝ મેટલ્સમાં 10 વર્ષ જૂની મંદી પૂરી થઇ રહી છે એટલે મેટલની ચાલ શોર્ટટમ ટ્રેડર્સ માટે પકડવી ઘણી અધરી પડે છે. નાનો સોદો, વ્યાજબી સ્ટોપલોસ, અને ધ્યાન વીનાનો વેપાર જ શોર્ટટર્મ ટ્રેડર માટે ફાયદાકારક રહે. કોપર, લિડ, ઝિંકમાં લાંબાગાળાની તેજીનો પાયો રચાય છે. પાછલા 13 માસમાં ઝિંક 55 ટકા વધ્યું. લીડ 45 ટકા વધ્યું, એલ્યુમિનિયમ 25 ટકા વધ્યું, ક્રૂડ 80 ટકા વધ્યું, ગેસ પણ 60 ટકા વધ્યો. નિકલ 25 ટકા ઘટ્યું.
 
ક્રૂડ ઓઇલ અને ગેસમાં પણ બજાર કટપીસ છે. ક્રૂડમાં વધઘટની રેન્જ મોટી છે. ન્યૂયોર્ક ક્રૂડની રેન્જ 42-58 ડોલર, ગેસની રેન્જ 2.82-3.36 ડોલર છે. સાઉદી અરેબિયાની મહાકાય તેલ કંપની અરમાકોનો આઇપીઓ આવવાનો છે. અને ક્રૂડ ઓઇલમાં રાજકારણના ખુબ મોટા આટાપાટા છે. આઇપીઓ સારી રીતે ભરાય તે માટે જબરા આટાપાટા છે. ક્રૂડમાં હાલપૂરતી મોટી મંદી શક્ય નથી લાગતી. જો જૂનની ફેડની બેઠકમાં વ્યાજદર વધારો ન આવે તો કદાચ કોમોડિટીમાં તેજી વધી શકે. નેચરલ ગેસમાં 187-216ની રેન્જમાં 205-209માં વેચી 218 સ્ટોપલોસ અને 191-194 ટાર્ગેટ રાખીને ઉછાળે વેચીને વેપાર થઇ શકે.એગ્રી કોમોડિટીમાં રૂ બજારમાં ભાવ જળવાઇ ગયા છે પરંતુ અંડરટોન મજબૂત છે. અમેરિકામાં નવી સિઝનમાં રૂનું વાવેતર વધ્યું છે તેવા અહેવાલે ન્યૂયોર્ક વાયદો શોર્ટટર્મ ઘટીને ફરી વધી ગયો છે. સ્થાનિક રૂ બજારમાં પાક, ઉત્પાદન, ઉતારા અંગે વોટ્સ અપમાં પુરજોશમાં ચર્ચાઓ છે.
 
નિકાસકારો અથવા ટ્રેડર્સો ખાસકરીને તેજીની લાઇન ચૂકી ગયા છે અથવા વેચાણ કાપી શકે તેમ નથી એવા લોકોને જમાખોરી તથા સટ્ટાખોરી દેખાય છે. અત્યાર સુધીમાં 70 ટકા માલ આવી ગયો છે. 30 ટકા આવવાનો બાકી છે. સાત મહિના કાઢવાના બાકી છે.તેલીબિયાંમાં એરંડામાં લાલચોળ તેજી છે. આખાગામને માથે લીધું છે. એરંડા વાયદા પર માર્જિન લગાવાયા પછી જે પ્રકારનો ઉકળાટ અને કકળાટ થયો છે એ ખરેખર તો હતાશાનું પ્રતિક છે. અને જે રીતે આક્રમક પ્રચાર અને મોટી તેજીની વાતોનો પ્રચાર થઇ રહ્યો છે તેના કારણે જે સેબી હરકતમાં આવી છે અને બીનજરૂરી સટ્ટાખોરી ડામવા માટે આગોતરા આયોજન રૂપે એરંડામાં માર્જિન નખાયું હશે. એરંડામાં પાક ઓછો છે. માલ નહિં મળે એવી હવા તો ચારે બાજુ ફેલાયેલી છે. વિદેશી બાયરો પુરતા પ્રવાહી છે અને એમને માલ લેવાની કોઇ ઉતાવળ ગોય તેવું જણાતું નથી. રાયડામાં પણ પાક પાણી સારા છે. જોકે, 71 લાખ ટનના પાકનો અંદાજ જરાક વધુ લાગે છે. ગત સપ્તાહે જયપુરમાં રાયડાની કોન્ફરન્સમાં ઘણા લોકો સાથે વાત થઇ અને પાકનો અંદાજ 65 થી 80 લાખ ટન વચ્ચે જણાતો હતો.
 
મારા મતે 65-67 લાક ટન વચ્ચે આંકડો વધારે વાસ્તવિક દેખાય છે. હિટવેવના કારણે ઉતારા અને તેલમાં ટકાવારી થોડા કપાશે તે નક્કી છે. વૈશ્વિક ઉતારાના સંદર્ભમાં જોઇએ તો ભારતમાં રાયડાના ઉતારા ઘણા નીચા છે. જીએમ રાયડો લાવવો હવે અનિવાર્ય છે. જીરૂમાં નીકળતી સિઝનની તેજીમાં તેજીવાળાને સારો ચાન્સ મળ્યો છે. હવે હેજર્સનો વારો આવ્યો છે. કાચા બદલામાં પડતર થઇ છે. હાજર માલ લેવાની ફાવટ હોય તેમની માટે કાચા બદલા કરવામાં ‌ફાયદો છે. ડિમેટના ખર્ચા ઘણા વધી ગયા છે. પળોજણ ખુબ વધી છે. એટલે ડિમેટ બદલાનો વેપાર હવે આર્થિક અને માનસીક રીતે ખર્ચાળ થઇ ગયો છે. જીરૂમાં ટ્રેડિંગ રેન્જ 16900-19185 છે. ધાણામાં હાજર અને વાયદામાં સામસામા રાહ છે. ગવારમાં અલનીનોના હોકારા પડકારા વચ્ચે રસાકસી ચાલુ છે. તેજીવાળા લડાયક મુડમાં છે. ચણા-તુવેર-ઘઉંમાં પણ તેજીનો કરન્ટ આવ્યો છે.
(Global Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rupee bayonet bullish due to Spices the bond strong by Biren Vakil
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.