• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Most Farmers' Income To Offset The Costs By Ajay Naik

મોટા ભાગના ખેડૂતોની આવક ખર્ચામાં જ સરભર થાય છે

મોટા ભાગના ખેડૂતોની આવક ખર્ચામાં જ સરભર થાય છે
ચાલુ મહિનાના પ્રારંભે કેન્દ્ર સરકારે રજૂ કરેલા બજેટમાં અપેક્ષા પ્રમાણે જ ખેડૂતો અને ગ્રામિણ ક્ષેત્ર પર વધુ ભાર મુકવામાં આવ્યો છે, પરંતુ ચિંતાની વાત એ છે કે, બજેટમાં જે કંઈ કહેવાયુ છે તે શક્ય બનશે કે કેમ? બજેટ બાદ ઘણા બધા લોકોએ તેનુ વિશ્લેષણ કર્યુ છે. મોટા ભાગનાને આશ્ચર્ય થાય તેવી વાત એ છે કે, ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય છે એ હકીકતમાં પરિપૂર્ણ થશે કે કેમ? ખેડૂતોની આવક વધારવી હોય તો તેમને આધુનિક ખેતી કરતા કરવા પડે. ખેતીમાં ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો પડે, તેવી જ રીતે ખેડૂતોએ પણ નવુ નવુ શીખવાની ધગશ રાખવી પડશે. ખેડૂતોની આવક વધારવી હોય તો તેમના ઉત્પાદનો પરનુ વળતર વધારવુ પડે. આ માટે ખેડૂતોએ એ પ્રકારના બીજ અને સાધનોનો ઉપયોગ કરવો પડે. ખેડૂતોની આવક અંગે રચાયેલા એક રાષ્ટ્રીય પંચે ખેડૂતોની ઉત્પાદન કિંમત ઉપરાંત તેમને 50 ટકાનો ફાયદો થાય તે રીતે ભાવ નક્કી કરવા જોઇએ - તેવી ભલામણ કરવામાં આવી છે. પરંતુ જો આમ કરવુ હોય તો જથ્થાબંધ કિંમતના ભાવ વધારવા પડે તેટલુ જ નહીં એ.પી.એમ.સી.માં અત્યારે વચેટીયાઓનું રાજ છે તે દૂર કરવુ પડે. જો તેમ થાય તો જ તેમની આવક વધી શકે. 
 
દેશની મોટા ભાગની વસતિ આજે પણ ખેતી પર નિર્ભર છે. સૌથી વધુ રોજગારી આપતો ઉદ્યોગ પણ ખેતી જ છે. તેમ છતાં ખેડૂતો અને કૃષિ શ્રમિકોની હાલત બદલાતી નથી. અત્યારે કૃષિનો વિકાસ દર ચાર ટકાની આસપાસ છે. જ્યાં સુધી તે દ્વિઅંકી થાય નહીં ત્યાં સુધી ખેડૂતોની આવક વધે તેમ નથી. મોટા ભાગના ખેડૂતો ખાતર, પેસ્ટીસાઇડ, બીજના વધી રહેલા ભાવને કારણે પરેશાન છે. સામે ખેડૂતોના ટેકાના ભાવમાં જોઇએ એટલો વધારો થતો નથી, પરિણામે ખેડૂત ઉત્પાદન કિંમત પણ મેળવી શકતો નથી. આવી સ્થિતિ હોય તો ખેડૂતોની આવક બમણી થાય તેવી કોઈ શક્યતા જ નથી. બીજી બાજુએ હવામાનમાં આવી રહેલુ પરિવર્તન પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. નિયમીતપણે અનિયમીત બની રહેલુ ચોમાસુ અને સિંચાઈ યોજનાઓના અભાવે પણ ખેડૂતોને મુશ્કેલી પડે છે.
 
એક અંદાજ પ્રમાણે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જો ખેડૂતોને પૂરતી માત્રામાં પાણી મળતુ હોય તો પાંચ લાખ જેટલા કૃત્રિમ તળાવ ઊભા કરવા પડે. વળી આ તળાવનું નિર્માણ ગ્રામ પંચાયત મારફતે જ શક્ય બને છે. ધારો કે, સરકાર આવી યોજના અમલી બનાવે તો પણ તેનો યોગ્ય અમલ થવો પણ જરૂરી છે. પાક વીમા યોજના ખરેખર જો અમલી બને તો ખેડૂતોને રક્ષણ પૂરુ પાડી શકે, પરંતુ તેના નીતિ - નિયમો અને નાના ખેડૂતો આવી યોજનાઓથી માહિતગાર નહીં હોવાથી તથા આ બધુ જ ઓનલાઈન ભરવુ પડતુ હોવાથી તેનો લાભ લઈ શકાતો નથી. માત્ર પાક વીમા યોજના જાહેર કરવાથી ખેડૂતોને રક્ષણ મળતુ નથી. પરંતુ કેવા સંજોગોમાં પાકને નુકશાન થયુ હોય તો તેને વીમા હેઠળ આવરી લેવામાં આવે તે નક્કી કરવુ પણ અગત્યનું છે. થોડા સમય અગાઉ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતોનુ દેવુ માફ કરવાની માંગ કરી હતી. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ વાટાઘાટો કરી હતી. તેમ છતાં આ મુદ્દે બજેટમાં કંઈ કહેવાયુ નથી.
 
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતો દ્વારા થતી આત્મહત્યા અને તેમને રક્ષણ આપવાના કોઈ સાધનો ઊભા નહીં કરાતા પણ પરિસ્થિતિ વણસી છે. બજેટમાં આવકારદાયક બાબત ઇલેક્ટ્રોનીક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટનો વ્યાપ વધારવાની છે. પરંતુ દેશમાં બ્રોડબેન્ડની પરિસ્થિતિ એટલી નબળી છે કે તેનો અમલ શક્ય નથી.આ ઉપરાંત ખેડૂતોની પાક પેટર્ન પણ એવી નથી કે જેથી ખેડૂતો ચોક્કસ પાક સાયકલ લેતા નહીં હોવાથી પણ તકલીફ પડે છે. મોટા ભાગના ખેડૂતો એક ઘરેડમાં ખેતી કર્યે રાખે છે. પરિણામે કૃષિ ક્ષેત્રે જોઇએ એવો ફાયદો મળતો નથી. દેશની વાત તો બાજુએ રહી પરંતુ ખેડૂતો પોતે જ બે પાંદડે થઈ શકતા નથી. હકીકતમાં નાના ખેડૂતોની સંખ્યા વધુ હોવાથી તેઓ કોઈપણ પ્રકારનું જોખમ લેતા ગભરાય છે. આવા ખેડૂતોએ હકીકતમાં ભેગા થઈને એક સહકારી મંડળી રચી ઇઝરાયલની જેમ સામુહિક ખેતી અપનાવવી જોઇએ તો કોઈ ચોક્કસ પાક મોટી માત્રામાં લઈ શકાય તથા તેમને તેની સારી કિંમત પણ મળી શકે. દેશમાં જે રીતે ખાણી - પીણી ઉદ્યોગ ફૂલ્યો - ફાલ્યો છે તેને ધ્યાનમાં લેતા આ ઉદ્યોગમાં વધુ વપરાશમાં જે શાકભાજી, ફળ કે ખાદ્યાન્ન લેવાતુ હોય તેનું જો ઉત્પાદન કરવામાં આવે તો ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થાય, પરંતુ ખેડૂતો સંગઠીત થઈ શકતા નહીં હોવાથી આ રીતે નવી તરાહની પ્રથા પણ શરૂ થઈ શકતી નથી. ખેડૂતોએ પોતાની આવક બમણી કરવી હશે તો આ દિશામાં પણ વિચારવું પડશે.
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most farmers' income to offset the costs by Ajay Naik
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.