• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Global» Interest Rates Bottom Out Agri Commodities Basket Sailing By Biren Vakil

વ્યાજદરો બોટમ આઉટ : એગ્રી કોમોડિટીમાં બાસ્કેટ સેલિંગ

વ્યાજદરો બોટમ આઉટ : એગ્રી કોમોડિટીમાં બાસ્કેટ સેલિંગ
(તસવીર પ્રતિકાત્મક)
 
કોરિઝર્વ બેન્કે રિવર્સ રેપોમાં 0.25 બેસીસ પોઇન્ટ વધારતા રૂપિયામાં તેજી વેગીલી બની છે. રિઝર્વ બેન્કનું પગલું અપેક્ષાથી વિપરીત અને નાણાંકીય નીતિમાં યુ-ટર્ન જેવું દેખાય છે. રિઝર્વ બેન્કે બજારની લાગણી અને માંગણીને લક્ષમાં લીધી નથી. શેરબજારમાં તેજીને સમર્થન જેવા ટુંકાગાળાના લાભ અવગણીને ફુગાવો કાબુમાં રાખવા જેવા લાંબાગાળાના જોખમો ધ્યાનમાં રાખ્યા છે. આ પગલું રિઝર્વ બેન્કે પોતાનું સ્વાતંત્ર્ય અકબંધ રાખ્યું હોવાનું પણ પ્રતિત કરાવે છે. ચીને તાજેતરમાં રિવર્સ રેપોમાં બે વખત વધારો કર્યો હતો. ફેડે પણ ગત માસમાં વ્યાજદર વધાર્યા હતા એ જોતા રિઝર્વ બેન્કનું પગલું વૈશ્વિક બેન્કરો વચ્ચેની વણકથીત સમજૂતીના ભાગરૂપે પણ હોઇ શકે અને આગામી સપ્તાઓમાં ઓસ્ટ્રેલિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ રિવર્સ રેપો વધવાની સંભાવના છે.
 
ચીનમાં પણ હજુ એક-બે રિવર્સ રેપોમાં વધારા આવશે તેવું લાગે છે. શુક્રવારે જોબડેટા થોડો નબળો આવ્યો છે એ જોતા ફેડ કદાચ જુનમાં વ્યાજદર વધારો ન પણ કરે. વૈશ્વિક વ્યાજદરો બોટમ આઉટ થઇ ચૂક્યા છે. અમેરિકાએ સિરિયા પર મિલાઇલ હુમલો કરવાથી અમેરિકાની મધ્યપૂર્વ લશ્કરી નીતિમાં પણ બદલાવ આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જિંગપિંગ વચ્ચેની મંત્રણામાં ખાસકોઇ ભલીવાર આવ્યો નથી. નિખાલસ ચર્ચાઓ કરી બેઉ મહાસત્તાઓ છુટી પડી છે. અહિં નિખાલસ એટલે એક બીજાને સોય જાટકીને ચોપડાવી દીધું એવું સમજવું. બજારોની વાત કરીએ તો રૂપિયો એકધારો વધીને 64.20 થઇ ગયો છે. એકધારી સાત ટકાની તેજી આવી છે. તેમ છતાં રિઝર્વ બેન્કની દરમિયાનગીરી આવી નથી. રિઝર્વ બેન્કે રૂપિયાને બજાર પરિબળોના હવાલે કરી દીધો લાગે છે. ટેક્નિકલી રૂપિયામાં 64.40ની સપાટી તૂટતા 63.85-14-15ના ટાર્ગેટ છે.
 
જોકે, હવે રૂપિયાની તેજી થોડું અતિરેકનું રૂપ પણ બતાવે છે અને જેવી પ્રબળ તેજી છે એટલું જ તીવ્ર કરેક્શન હશે. ટેક્નીકલી કરેક્શનમાં રૂપિયો 65.30-65.50 સુધી આવી શકે. આયાતકારોએ હાલના સ્તરે ડોલર ઇમ્પોર્ટ હેજ કરી લેવી જોઇએ.કોમોડિટી બજારોની વાત કરીએ તો સોના-ચાંદી અને બેઝમેટલ્સમાં બે તરફી અફરાતફરી ચાલુ રહી છે. સોનામાં વધઘટ મોટી છે શુક્રવારે નોન પામ પે-રોલ ડેટા નબળો આવતા સોનું ઉછળ્યું હતું પરંતુ ઉછાળે વેચવાલી આવતા વધ્યા ભાવથી ઘટાડો છે. ચાંદીમાં પણ નરમાઇ જોવા મળી હતી. સોનામાં એપ્રિલ મહિનામાં આમ પણ વિશ્વબજારમાં સુસ્તી હોય છે. ગયા સપ્તાહે અમે જણાવ્યું હતું કે સોનું સામાન્ય રીતે મે-જૂનમાં બોટમ બનાવતું હોય છે અને ચાંદીનું તો સામાન્ય રીતે એપ્રિલ-મે મહિનામાં ટોપ બનતું હોય છે. સોનાનું ટોપ લેવલ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બને છે. ટેક્નીકલી કોમેક્સ સોનાની રેન્જ 1226 થી 1278 ડોલર છે. ચાંદીની રેન્જ 17.05 થી 18.40 છે. સ્થાનિક બજારોની રેન્જ સોનામાં 27800 થી 29400 છે. ચાંદીની રેન્જ 38800 થી 43300 છે.
 
બેઝ મેટલ્સમાં રૂપિયાની એકધારી તેજીના કારણે વધ્યા ભાવથી ઘટાડો આવ્યો છે. કોપરના ભાવ વધીને 416 હતા જે 370 થયા છે. ઝિંક 206 થી ઘટીને 174 થઇ ગયું છે. લીડના ભાવ 177 થી ઘટી 145 થયા છે. નિકલ 750 થી ઘટી 650 થયું છે. લંડન મેટલ એક્સચેન્જમાં મેટલમાં મામુલી મંદી છે. અંડરટોન તેજીનો છે. પરંતુ અહિંયા રૂપિયો 7 ટકા વધી જવાથી એમસીએક્સ મેટલ નબળી પડી છે. એલ્યુમિનિયમ ઘણું મજબૂત છે અને ભાવો મક્કમ છે. એગ્રી કોમોડિટીમાં જીરૂ, ધાણા, ગવાર અને એરંડા જેવી હોટ કોમોડિટીમાં ઉંચા મથાળે જોરદાર વેચવાલી આવતા ભાવો કરેક્ટ થયા હતા. સેબીના કડક પગલાની અફવા વચ્ચે એગ્રી કોમોડિટીમાં બાસ્કેટ સેલીંગ આવ્યું હતું. જીરૂમાં નિકળતી સિઝને જ તેજી થવાથી લોકો અચંભામાં હતા, કઠોળમાં ચણા અને તુવેરમાં તેજીનો માહોલ દેખાય છે. ચણામાં આવકો અપેક્ષા કરતા ઓછી છે અને ઉતારા નબળા રહેવાથી તેમજ રાજસ્થાનના પંટરો હાજરમાં લેવાલ હોવાથી ચણા સુધરી ગયા છે.
 
ઘઉંમાં પણ નીચા મથાળે કોર્પોરેટ અને મલ્ટીનેશનલ કંપનીઓની લેવાલી વધી છે. ઘઉંમાં હવે મંદી ઝડપથી પૂરી થઇ જશે. સ્ટોક કરવા માટે ઘઉંનું લેવલ આકર્ષક છે. જીરૂમાં ટ્રેડિંગ રેન્જ 17700 થી 19700 છે, ધાણાની રેન્જ 7100-7900 છે. ગવારમાં ઉછાળે વેચવાલી આવતા તેજીવાળા ઠંડા પડ્યા છે. એરંડામાં ઉછાળે વેચવાલી આવી છે. દિવેલ અને સીબાસીસ એસિડમાં ઝડપી તેજી પછી વિદેશી બાયરો લેવાની ઉતાવળના મુડમાં નથી. ઉછાળે ગંગાનગર, બિકાનેર અને મુંબઇ સર્કલ વેચવાલ હોવાનું કહેવાય છે. એરંડાની ટ્રેડિંગ રેન્જ 4500-5150 છે. ખાદ્યતેલોમાં પામતેલ અને સોયાતેલ તુટવાથી રાયડો અને સોયાબીન પણ નરમ રહ્યાં છે. રૂપિયાની વન-વે તેજીના પગલે આયાતો સસ્તી થતા અને આગળ જતા પુરવઠો વધવાની ધારણા છે. ઘરાકી ઘણી ઓછી છે સોયાબીનમાં સાઉથ અમેરિકામાં પાક પાણી ખુબ સારા છે. રૂપિયાની અણધારી તેજીએ સોયાખોળની નિકાસ ખોરવી દીધી છે. ભારતીય સોયાબીન અને કોટનના નિકાસકારોની કમનસીબી છે કે સારા ભાવ મળે ત્યારે રૂપિયો કે સરકારી પગલા વિધ્ન બની જાય છે. રૂ બજારમાં લાંબા સમય બાદ કરેક્શન આવ્યું છે. 
 
આઇસીઇ કોટન પાંચ સેન્ટ તૂટી અને અહિંયા ભાવ થોડા ઓછા કર્યા્ છે. આઇસીઇનો ઘટાડો ગાંસડીમાં કન્વર્ટ કરીએ તો વઘેલા ભાવથી રૂા.3500નો ઘટાડો થાય. એની સામે ભારતીય રૂ રૂા.1500 જેટલું ઘટ્યું છે. ફળ સ્વરૂપ એમસીએક્સ આઇસીઇ કરતા 10 સેન્ટ ઉંચું હતું તે 12.58 સેન્ટ ઉંચું થઇ ગયું છે. બજારમાં મોટા સ્ટોકની વાતો થાય છે. જીનરો પાસે મોટો સ્ટોક છે. જંગી આયાતો થવાની છે. નિકાસ-નબળી છે. આ બધી વાતોનો છેદ ઉડી જાય છે. હલકાં રૂમાં વેચવાલી વધારે છે. સારા રૂમાં માલની અછત વર્તાય છે. વેચનારને ઉતાવળ નથી. ફરધર રૂમાં પણ નિકાસ કામકાજો ઘણા સારા છે. કોટનની તેજી-મંદી અંગે ભરપૂર ચર્ચાસભાઓ ચાલે છે. પરંતુ તેજી મંદી અંગે માયાવી ભૂલભૂલામણીમાં પડવા જેવું નથી. 
 
સિઝનના આરંભમાં 29 એમએમ 3.8 માઇકનો ભાવ રૂા.39000 હતો. તે આજે 44000 છે. 29.8 એમએમ 3.8 માઇક બરાબરના ભાવે આજે 27 એમએમ 3.7 વાળું રૂ વેચાય છે. રૂ બજારમાં હાલનો ગભરાટ બે ત્રણ સપ્તાહમાં શમી જશે અને ફરી પાછા જૂન પછી વાદળો વિખેરાઇ જશે. ડોલર સામે રૂપિયામાં આવેલી તોફાની તેજીના કારણે એગ્રી કોમોડટીમાં ખાસકરીને નિકાસલક્ષી કોમોડિટીને મોટી અસર પડી છે. આ ઉપરાંત એરંડા, ધાણા તથા જીરૂ વાયદામાં આવેલી તોફાની તેજીના વળતા પાણી જોવા મળ્યા છે. આગામી સમયમાં હજુ રૂપિયાની મજબૂતીના કારણે હાજર તેમજ વાયદામાં ખેલાડીઓ દ્વારા નિરૂત્સાહી ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતા છે. આયાત વેપાર વધી જશે તે પણ નક્કી છે.
(Global Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interest rates bottom out Agri commodities basket Sailing by Biren Vakil
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.