• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Global» Interest In Where We When The Fed Raises Interest Rates Again

ફેડે ફરી વ્યાજદરો ન વધાર્યા ત્યારે વ્યાજવિશ્વમાં આપણે ક્યાં છીએ

ફેડે ફરી વ્યાજદરો ન વધાર્યા ત્યારે વ્યાજવિશ્વમાં આપણે ક્યાં છીએ
ફરીથી એકવાર અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત રાખી અપેક્ષા પ્રમાણેનો જ નિર્ણય લીધો છે અને હવે સંભવતઃ નાતાલ વખતે ફુગાવાને થોડો હળવો રાખવા એકાદ નાનો સૂનો વ્યાજદર વધારો આવે એવા સંકેત આપ્યા છે. વ્યાજદર વધારો હોલ્ડ પર રાખવા માટેના બહાનાઓ હવે ખૂટતા જાય છે અને ધીમે ધીમે ફેડ વ્યાજદરો વધારવા તરફ આગળ વધે છે.આ વખતનો નિર્ણય સર્વાનુમતિથી નથી લેવાયો , ત્રણ પ્રાંતો કાંસાસ, ક્લીવલેન્ડ અને બોલ્ટનના ફેડ પ્રેસીડંટોએ વ્યાજદર વધારવાની તરફેણ કરી હતી. આમ 2016માં ફેડ વ્યાજદરો વધારે એવા પાક્કા સંકેતો મળી રહ્યા છે. અર્થતંત્રમાં સુધારાનો નિર્દેશ ફેડરલ રિઝર્વે જરૃર આપ્યો છે, પણ વ્યાજદર વધારવાની ઉત્સુક્તા નથી દાખવી. 
 
યેલનના મતે અમેરિકાની જાહેર નાણા વ્યવસ્થામાં સુધારો દેખાય છે પણ એ ફોરકાસ્ટ મુજબનો સુધારો નથી. ફેડરલ રિઝર્વના 17 નીતિ ઘડવૈયાઓમાંથી 14 આ વર્ષે જ વ્યાજદર વધારવા માટે હકારાત્મક એપ્રોચ ધરાવે છે. જોકે આ લેખમાં આપણે નીચા વ્યાજદરોની આં.રા. સ્તરે કેવી  અસર થાય છે તેનો ચિતાર મેળવવાની કોશીષ કરીએ.નીચા અથવા નેગેટીવ વ્યાજદરો અને તેના કારણે વૈશ્વિક બજારોમાં જળવાઇ રહેતી તેજી હવે જાણે વાસ્તવિકતા બની ગઇ છે અને અમુક અંશે, આ વૈશ્વિક સ્થિતિએ આપણા વ્યાજદરો ઊંચા હોવા છતાં, ભારતના શેર બજારોને પણ તેજીમય રાખ્યા છે. વાસ્તવિક્તા કાંઇક જૂદું જ ચિત્ર દર્શાવે છે અને બજારો કાંઇક જૂદું જ. છેલ્લા 40  વર્ષમાં યીલ્ડમાં સતત ઘટાડો જ જોવા મળ્યો છે અને 2007થી 2009ની નાણાકીય કટોકટી પછી તો આ ટ્રેન્ડે વધુ જોર પકડ્યું છે. 

વ્યાજદરો ઘટાડતા જવાની અને છેક નેગેટીવ સુધી લઇ જવાની સેન્ટ્રલ બેન્કરોએ આ ક્રાઇસીસ પછી શરૂઆત કરીને જગતની અધોગતિ નોતરી છે.2010-11માં એમ લાગતું હતુ કે આ નીચા -નેગેટીવ વ્યાજદરોનો ટ્રેન્ડ અટકશે, સેન્ટ્રલ બેન્કરો ભાનમાં આવશે, પણ હજૂ સુધી તેઓ આ સહેલો રસ્તો છોડવા તૈયાર થતાં નથી. 2011-12માં એવી ધારણા રખાતી હતી કે જેમ જેમ ક્વોન્ટીટેટીવ ઇઝીંગ પ્રોગ્રામો પાછા ખેંચાતા જશે તેમ તેમ વ્યાજદરો આપમેળે વાસ્તવિક સ્તરે આવી જશે(વધશે) પણ તેવું ન થયુ. 2013માં ગ્રીસની કટોકટીએ વ્યાજદરોને વધવા ન દીધા અને 2015 સુધીમાં તો કોમોડિટીના ભાવોમાં આવેલ મંદીએ વ્યાજદરોને દબાવી રાખ્યા. આ નીચા ભાવોનું મુખ્ય કારણ ચીનના અર્થતંત્રની પીછેહઠ હતું, આમ વ્યાજદરોને માથુ ઊંચકવાનો મોકો જ ન મળ્યો અને નીચા, નેગેટીવ વ્યાજદરોનો ટ્રેન્ડ ચાલુ જ રહ્યો અને આ જ સુધી એ ઇન ટેક્ટ રહ્યો છે કેમ કે ફેડે 0.25થી 0.50 ટકાએ દરો જાળવી રાખ્યા છે.
 
મોદીજી આયોજન પંચને નીતિ આયોગ બનાવીને,બજેટો મર્જ કરીને, જનધન લાવીને ગતકડાં કરતા જ રહે છે અને તેમના કહ્યાગરા સાથીઓમાંથી કોઇની પણ આર્થિક મોરચે કે સીમાઓના મોરચે સાચી સલાહ આપવાની હિમ્મત નથી ચાલતી કેમ કે તેમને એવી સલાહ આપવા જતાં ખુલ્લા દ્વાર દેખાય છે, નમો નમોના જાપ જપતાં જપતાં જો ખુરશીઓ સચવાતી હોય તો ક્યો રાજકારણી બચ્ચો ખુલ્લા દરવાજામાંથી બહાર આવી જવા તૈયાર હોય, ઉત્તર પ્રદેશની ચૂંટણી અને 2017માં ગુજરાતના ઇલેક્શન પછી ભાજપાના દશે દીશાના દરવાજામાંથી લોકો ભાગવા માંડે તો નવાઇ નહિં. તે માટેનું એક માત્ર કારણ હશે મોદી,મોદી અને મોદી અને એમનું સરમુખત્યારી તેમ જ જિદ્દી વલણ!.
 
દેશોમાં નેગેટિવ અને કયા દેશોમાં ઊંચા વ્યાજદરો

ડેન્માર્ક,સ્વિત્ઝર્લેન્ડ,યુરોઝોન,સ્વીડન અને જપાનમાં નેગેટીવ વ્યાજદરો ચાલી રહ્યા છે અને જાણકારો તો એવું ભવિષ્ય ભાખે છે કે વૈશ્વિક અર્થતંત્રની ગાડી પાટે નહીં ચઢે તો કદાચ અનેરિકામાં પણ વધવાના બદલે ઘટીને ઇન્ટરેસ્ટ રેટ્સ આ જ માર્ગે જશે! સ્વીડન અને સ્વિત્ઝર્લેન્ડમાં અનુક્રમે - 0.50 ટકા અને -0.75 ટકાના વ્યાજદર હાલ ચાલી રહ્યા છે તો અમેરિકામાં 0.5, ગ્રેટ બ્રીટનમાં 0.25 ,કેનેડામાં 0.50,ઝેક રિપબ્લીકમાં 0.05,ડેન્માર્કમાં 0.05,યુરોઝોનમાં 0.00,હંગેરીમાં 0.90,ઇઝરાયલમાં 0.10, જપાનમાં -0.10,નોર્વેમાં 0.50 ટકાના વ્યાજદરો છે.
 
સામે પક્ષે બ્રાઝીલમાં 14.25,રશીયામાં 10,તુર્કીમાં 7.5,સાઉથ આફ્રીકામાં 7,ભારત અને ઇન્ડોનેશીયામાં 6.5,ચીનમાં 4.35,મેક્સિકોમાં 4.25,ચીલીમાં 3.5,સાઉદી અરેબિયામાં 2,ઓસ્ટ્રેલિયા અને પોલેન્ડમાં 1.5 અને સાઉથ કોરિયામાં 1.25  ટકા ઇન્ટરેસ્ટ રેટ છે. કે નેગેટીવ કે નીચા વ્યાજદરો રાખવાનું વિકસિત રાષ્ટ્રોને પરવડે અને તેના કારણે તેઓ વિકાસશીલ રાષ્ટ્રોમાં રોકાણો કરી અથવા તો વ્યાજ ફરકનો લાભ લઇ વધુ સમૃદ્ધ થઇ શકે છે અને ઊંચા વ્યાજદરવાળા દેશો ફૂગાવાના ભરડામાં પીસાતા રહે છે, બ્રાઝીલ,રશીયા,તુર્કી આના ઉત્તમ ઉદાહરણો છે તો વ્યાજદર જેટલો જ ફુગાવાના દર થકી ઝીરો રીયલ રીટર્ન વાળો આપણો દેશ ફુગાવાની પીડામાંથી બચે તો વિકાસ સાધેને? આ દિશામાં આગળ વધવા રઘુરામ રાજન જેવા ગવર્નરની દેશને બીજા દસ વર્ષ જરુર હતી , જે ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટનું સંતુલન જાળવી દેશને વિકાસના રસ્તે આગળ વધારવામાં મદદરૂપ થયા હોત. 
 
આ બાબતને વધુ તર્કસંગત બનાવવા, સહજ જાણ ખાતર સીપીઆઇ ફુગાવો તુર્કીમાં 8.793, બ્રાઝીલમાં 8.975, રશીયામાં 7.199, દક્ષીણ આફ્રીકામાં 6.477 અને ભારતમાં 6.464 ટકાના સ્તરે છે. સામે પક્ષે ગ્રીસ, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, ઇઝરાયલ, જપાન, પોલેન્ડ, સ્લોવાકીયા અને સ્પેનમાં ફુગાવો નેગેટીવ છે પણ તે બધા માટે એક જ તારણ કાઢી શકાય તેમ નથી કેમ કે મોટા ભાગના દેશો દેવાના ડુંગરા નીચે દબાયેલા છે તો જપાન જેવા દેશો ડિફ્લેશનનો સામનો કરી રહ્યા છે.
(Global Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interest in where we When the Fed raises interest rates again
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.