• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Global» Business Is Business, Microsoft, Apple And Infosys Story By Kanu J Dave

બિઝનેસ ઇઝ બિઝનેસ, માઇક્રોસોફ્ટ, એપલ અને ઇન્ફોસિસની કથની!...

બિઝનેસ ઇઝ બિઝનેસ, માઇક્રોસોફ્ટ, એપલ અને ઇન્ફોસિસની કથની!...
(તસવીર પ્રતિકાત્મક)
 
 
વિશ્વ નવી ટેકનોલોજી અને સંશોધનોના કારણે એક નેટવર્ક્ડ ગામડું બની ગયું છે પણ વસુધૈવ કુટુંબકમની ભાવના વિકસતા હજૂ વાર લાગશે કેમ કે બિઝનેસ ઇસ બિઝનેસ, એમાં વેવલાવેડા ન ચાલે.આઇટીનું નામ લઇએ કે તરત જ માઇક્રોસોફ્ટ અને એપલ યાદ આવે.એપલે બે સપ્તાહ પહેલાં એક કોમર્શિયલ (ટીવી પર આવતી એડ) રીલીઝ કરી હતી અને એમાં પ્રશ્ન પૂછ્યો હતો કે કોમ્પ્યુટર શું છે અને જવાબમાં તેણે પરંપરાગત ડેસ્ક ટોપ તો ઠીક પણ લેપટોપનો પણ છેદ ઉડાડવા પોતાના આઇપેડ પ્રો સુપર ટેબલેટને કોમ્પ્યુટર ગણાવી હવે એનો જ યુગ આવશે એવો સંકેત આપી દીધો હતો. 

બિઝનેસ ઇસ બિઝનેસ, જવાબમાં માઇક્રોસોફ્ટે એક એડ રિલીઝ કરી , તેમાં સવાલ કર્યો કે કોમ્પ્યુટર શું છે અને જવાબમાં જણાવ્યું જવાબ માટે કોર્ટાનાને પૂછો. આ કોર્ટાના એક પર્સનલ પણ ઇન્ટેલીજન્ટ આસીસ્ટંટ સોફ્ટવેર છે જે વિન્ડોઝ ટેન અને તેના મોબાઇલ વર્ઝનમાં મદદનીશનું કામ કરે છે.આમ એપલની કોમર્શીયલનો જવાબ માઇક્રોસોફ્ટે જ્ઞાનચર્ચામાં રામાનંદ સ્વામી કહે કે આનો જવાબ તો અમારા મુક્તાનંદ સ્વામી આપી દેશે એવી અદાથી કોર્ટોના તરફ ઇશારો કર્યો છે.બિઝનેસ ઇઝ બિઝનેસ, ધંધામાં સ્પર્ધા તો હોવી જ જોઇએ અને એ સ્પીરીટ જાળવી રાખીને વિશ્વ વિહરણીય એવી આ એપલ અને માઇક્રોસોફ્ટ કાંઇક નવું કાંઇક આગવું , કાંઇક અનોખું કરતી રહે છે જે અંતે તો માનવ જાતિને બે ડગલા આગળ લઇ જવાનું જ કામ કરે છે.

આવા સંયોગોમાં આપણા દેશમાં જ ડિજીટલ,ઇ-ગવર્નન્સ ,ઇ-લિટરસી,ઇ-પેમેન્ટ્સ અને અનેક ઇ પહેલો વચ્ચે પણ આપણી અગ્રણી આઇટી કંપની ઇન્ફીનો શેર રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડે યુકેની નવી અલગ બેન્ક રચવાની યોજના પડતી મૂકતાં મંગળવારે ટ્રેડિંગ દરમિયાન આઠ મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો એ વિધિની વિચિત્રતા કહેવાય? કે ઇન્ફોસીસની દેશની રાજ્ય અને કેન્દ્ર સરકારોમાં ઓછી પહોંચના લીધે ઉપરોક્ત કામોમાં એ સામેલ નહીં થઇ શક્તી હોવાની ઉણપ કહેવાય કે તેને તો બિઝનેસ ઇઝ બિઝનેસ ગણી રોયલ બેન્કનો ક્રીમ બિઝનેસ જ જોઇતો હોવાનું તેનું વલણ હોવાનું કારણ પણ હોઇ શકે. 
 
કારણ ગમે તે હોય 11મીને ગુરુવારે 1094ના ટોપ પરથી ઇન્ફોસીસ 26મીને શુક્રવારે ઘટીને 1020.75 થઇ ડિસેમ્બર 2015ના 1024ના તળિયા પાસે પહોંચ્યો છે અને નવેમ્બર 2015નું 1012નું બોટમ તોડી ભાવ ત્રણ આંકડામાં આવી જાય તો તેમાં નવાઇ પામવા જેવું કંઇ નહીં હોય,બિઝનેસ ઇસ બિઝનેસ, શેર બજારમાં ડેવલપમેન્ટ્સના સાચા પ્રતિબિંબ પડતા જ રહે છે અને બજારને લોકો વધુ સમય મેનોવર કરી શકે જ નહીં એવો મારો અતૂટ વિશ્વાસ છે.રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડની યુકેની અલગ બેન્ક રચાઈ હોત તો ઇન્ફોસિસને ફાયદો થાય તેમ હતો, કારણ કે તે તેમાં ટેક્‌નોલોજી પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવી હતી.

જોકે ઇન્ફોસિસે ખુલાસો કરી દીધો છે કે  આ ડીલ રદ થવાથી અસર પામેલા 3,000 કર્મચારીઓને અન્ય પ્રોજેક્ટમાં સમાવી લેવાશે.એનાલિસ્ટ્સના મતે આ ડીલ રદ થવાના  કારણે કંપનીના ગાઇડન્સમાં ઘટાડો આવી શકે છે. કરન્સીની વોલેટિલિટી અને પ્રતિકૂળ સ્થિતિના કારણે ગયા મહિને ઇન્ફોસિસે તેનું ડોલર રેવન્યુ ગાઇડન્સ 11.8-13.8 ટકાથી ઘટાડીને 10-11.5 ટકા કર્યું હતું. ત્યાર બાદ શેરમાં 10.6 ટકાનો ઘટાડો થયો હતો , હવે ગાઇડન્સ વધુ ઘટાડાય તો ભાવમાં વધુ કેટલો ઘટાડો થઇ શકે અને તે ગાઇડન્સની સત્તાવાર જાહેરાત આવે તે પહેલા થાય કે પછી તે જાણવા માટે તો તમારે આઇપેડ પ્રો સુપર ટેબલેટ કે વિન્ડોઝ ટેનના કોર્ટોનાને પુછવું પડશે! અમુક વર્ગ ડીલ કેન્સલ થવાથી નાણાકીય વર્ષ 2017ની આવકમાં પાંચથી દશ કરોડ ડોલરની અને નાણાકીય વર્ષ 2018ની આવકમાં 10થી 20 કરોડ ડોલરની અસર થવાની ગણતરી મુકે છે.
 
પરિણામે ઇન્ફોસિસનું નાણાકીય વર્ષ 2017-18 માટે ડોલર ટર્મમાં રેવન્યુ ગાઇડન્સ 0.5 ટકાથી એક ટકા સુધી ઘટવાની ધારણા મુકે છે.ઇન્ફોસિસ આ નુકસાનને આરબીએસના બીજા કોન્ટ્રાક્ટ દ્વારા સરભર કરવા પ્રયાસ કરે છે ત્યારે બજારની સ્થિતિ અને નુકસાનના કદના કારણે તે કદાચ સંભવ નથી. ડોલર રેવન્યુ ગ્રોથ ગાઇડન્સ સિદ્ધ કરવું મુશ્કેલ હશે અને તેમાં ધીમે ધીમે કદાચ ઘટાડો કરવો પડશે. કંપની વધુમાં વધુ કદાચ ડોલર રેવન્યુમાં 10થી 10.5 ટકા ગ્રોથ નોંધાવી શકે એવું અન્ય એનાલિસ્ટ વર્ગનું માનવું છે.જોકે  બ્રેક્ઝિટના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાની અસર કરતાં  કદાચ આ સોદાની ઓછી અસર હશે.પણ બ્રેક્ઝિટ સંબંધિત સમસ્યાઓથી કંપનીના 2020ના વિઝન પ્લાનને અસર થઈ શકે છે એવું તજજ્ઞોનું માનવું છે.

1.એપલના શેરનો ભાવ 109 ડોલર આસપાસ,બાવન સપ્તાહનો હાઇ 124 અને લો 89, આંક બાવન સપ્તાહમાં 4.74 ટકા સુધર્યો તેની સામે એપલ 4.90 ટકા ઘટ્યો અને તેનો પીઇ રેશીયો 12-13નો છે.
2.માઇક્રોસોફ્ટના ભાવ 57 ડોલર ,52 વીક હાઇ 58.50 અને લો 39.72,એસએન્ડપી 500ના 4.74 ટકાની સામે અને એપલનાં 4.90 ટકાના સામે આ શેરનું વાર્ષિક વળતર 23.24 ટકા છે.
3.આવી જ માહિતી ઇન્ફીની ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ ખાતેના ભાવ અને યાહૂની અન્ય વિગતો સાથે જોઇએ તો ચિત્ર સરખામણીયુક્ત બની રહેશે.ભાવ 15.92,બાવન સપ્તાહનો હાઇ 20.47
4.એન્ટરપ્રાઇઝ વેલ્યુ જોઇએ તો ઇન્ફીની 31.77 બિલિયન ડોલરની,માઇક્રોસોફ્ટની 388.55 બિલીયનની તો એપલની 611.71 બિલીયનની યાહૂના વેબસાઇટ પર દેખાય છે.
(Global Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Business is business, Microsoft, Apple and Infosys Story by Kanu J Dave
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.