• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» ECB Bond Tapering Symbols Of Bonds, Gold And Silver Dropped By Biren Vakil

ECBના બોન્ડ ટેપરિંગના સંકેતઃ બજારમાં કરેક્શનની સંભાવના

ECBના બોન્ડ ટેપરિંગના સંકેતઃ બજારમાં કરેક્શનની સંભાવના
બ્રેક્ઝિટનો ભૂકંપ તો ગયો પણ હવે એના આફ્ટરશોક ચાલુ થયા છે અને મંદીના મારથી અને નેતાઓની અણ-આવડતથી અધમુઆ થયેલા બન્ને યુરોપિયન મહારથી રઘવાયા થયા છે. બ્રિટનના વડાપ્રધાન થેરેસા વધુ આક્રમક છે અને ભાંગ્યુ ભાંગ્યુ તો યે ભરૂચ એમ બ્રિટનનો અહંકાર એમના વિધાનોમાં છલકાય છે અને પાઉન્ડ માટે પડતા પર પાટુ મારે છે. થેરેસા મે એ કહ્યું કે બ્રિટન ઇયુને નાણાં સહાય ફાળો નહિ આવે, માનવશ્રમની મુક્ત હેરફેરમાં સહમત નથી. થેરેસા મે એ બ્રિટિશ કંપનીઓને કહી દીધું છે કે તેમની કંપનીમાં વિદેશી કર્મચારી કેટલા છે તેની વિગત સરકારને આપવી અને બ્રિટિશ નાગરીકોને નોકરીમાં પહેલી પસંદગી આપવી.

 સામા પક્ષે યુરોપે પણ સોય ઝાટકીને કહી દીધું છે કે યુકે હાર્ડ બ્રેક્ઝિટ માટે તૈયાર રહે, યુકેએ આની કિંમતતો ચૂકવવી જ પડશે. યુકેના નિકાસકારો નવા જમાના આર્યન લેડીની રણનીતિથી ડઘાઇ ગયા છે. કેમકે યુકેને અત્યાર સુધી જે ફેવરેબલ ટ્રીટમેન્ટ મળતી હતી એ હવે ચીન, યુએસ, અન્યો માટે સુલભ બનશે. રાજદ્વારીઓની આ એન્ટિ-ગ્લોબલાઇઝેશન ઝુંબેશને પગલે પાઉન્ડમાં ગુરૂવારે ભયંકર કડાકો હતો. પાઉન્ડ 6 ટકા તૂટીને 31 વર્ષની નીચી સપાટી 1.1941 થઇ ગયા પછી 1.2330 હતો. પાઉન્ડના કડાકામાં અલ્ગો પણ જવાબદાર હશે જ ! પાછલા સપ્તાહોમાં સાઉથ આફ્રિકન રેન્ડ, ન્યુઝિલેન્ડ ડોલરમાં પણ ફ્લેશ ક્રેશ જોવાયા હતા. શુક્રવારે જોબ ડેટા પછી સોનામાં પણ અલ્ગોનો આતંક હતો. ભાવ 1249 થી વધીને 1265 થઇ પાંચ મિનિટ માટે 1240 થઇ ગયા પછી 1257 બંધ રહ્યાં હતા. 
 
બજારની વાત કરીએ તો આ સપ્તાહે માત્ર ડોલરનો દબદબો રહ્યો છે. ઇસીબીએ બોન્ડ ટેપરીંગ માટે અનોપચારીક સહમતી હોવાનું ગતકડું કાઢતા અને ફેડના બે ગર્વનરોએ પણ વ્યાજદર વધારાની વાંસળી વગાડતા બોન્ડ બજારો તૂટ્યા હતા. યુરો, યેન, પાઉન્ડ અને ઇર્મજિંગ શેરબજારો પણ થોડા ઘટ્યા હતા. બજારમાં સેન્ટિમેન્ટ તેજીનું છે. લિક્વિડિટીની રેલમછેલ છે. ટેક્નોલોજી સેક્ટરમાં ટેસ્લા નામની સુપર હાઇપ, ટેક્નોલોજી શેરોના વેલ્યુએશન અને વિક્રમી વેલ્થ અને બીજી બાજુ જર્મનીમાં ડોઇશે બેન્કની નાદારીના જોખમો, નેગેટિવ વ્યાજદરોથી બેન્કોની કથળેલી હાલત નેગેટિવ ટ્રિગર છે. વિશ્વના 50 કરોડ માણસો નેગેટિવ યિલ્ડના ચક્રવ્યુહમાં ફસાયેલા છે. અમેરિકામાં હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ બન્ને ઉમેદવારોની કીચડ ઉછાળ પ્રવૃતિ અને ચૂંટણીનું મેનિપ્યુલેશન રશિયા પર ચૂંટણી બગાડવા હેકિંગનો આરોપ વિક્લીક્સે હિલેરી ક્લિન્ટનના પ્રાઇવેટ ઇમેલ રીલીઝ કર્યા છે.

 આ ચૂંટણી અમેરિકાના ઇતિહાસની સૌથી વરવી ચૂંટણી છે. એક ઉમેદવાર જુઠાણાના સરદાર અને બીજા ઉમેદવાર કરચોરી, વંશિય જાતીવાદી ટીપ્પણીઓ માટે બદનામ છે. બજારોએ અનેક છૂપા જોખમો નજરઅંદાજ કર્યા છે. મારા મતે ઓક્ટોબર એક્સપાયરીના એટ ધ મની પુટ ખરીદી રાખવા જોઇએ. ઓક્ટોબરમાં પુટ ફાયદો ન આપે તો નવેમ્બરમાં ખરીદી રાખવા જોઇએ. ડાઉ જોન્સમાં 10-20 ટકા અને નિફ્ટીમાં અને નિફ્ટીમાં 8-10 ટકા કરેક્શનની પ્રબળ સંભાવના છે. બોન્ડ બજારો પણ તૂટે તેવી સંભાવના છે. બેન્ક શેરોમાં ખુબ ગંદકી લાગે છે. વિશ્વભરમાં વિન્ડો ફેસીંગ, બેડ એસેટ અંડરસ્ટેટેડ છે. ડોલર મજબૂત થતા સોના-ચાંદી તૂટ્યા હતા. 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરીમાં ફરી પાછો તેજીનો સમયગાળો છે. સોનામાં 125 ડોલર તૂટવામાં વાયદાનું ઓપન ઇન્ટરેસ્ટ 10-15 ટકા ઘટ્યું હશે. પણ ઇટીએફ હોલ્ડિંગ બિલકુલ ઘટતું નથી. બે વર્ષમાં 800 ટનથી વધીને 2000 ટન થયું છે. કોમેક્સ સોનામાં 1278, 1248ના સપોર્ટ તૂટતા હવે 1220-1193-1178 અને રીકવરી બાઉન્સમાં રેઝિસ્ટન્સ 1262-1278-1305-1313 છે. એમસીએક્સમાં 29700 તૂટતા 29185, 28800, 28400 સપોર્ટ અને 30130-30400-30700 રેઝિસ્ટન્સ છે. 

બેઝ મેટલ્સમાં બજાર બેટિંગ માર્કેટ રહી છે. કોપર 319-326, ઝિંક 155-161 લીડ, 136-142 વચ્ચે અથડાયા છે. ચીની બજારો એક સપ્તાહ બંધ હતા એટલે યુએસ-યુકેના હેજફંડોને મેટલનો સટ્ટો રમવાની મજા પડી ગઇ હતી. નિકલની રેન્જ 662-705 છે. ક્રૂડ ઓઇલમાં બે તરફી વધઘટ વચ્ચે બજાર ધીમે ધીમે વધ્યું છે. ક્રૂડ 26 ડોલરથી વધીને 50 ડોલર થયું છે !! ક્રૂડમાં જંગી સ્ટોક છે, પણ બજારમાંરૂપિયાની છત હોવાથી અને વ્યાજદરો નેગેટિવ છે. એટલે અમુક હેજફંડો ઓઇલમાં એક્સપોઝર લે છે. ક્રૂડની મજબૂતાઇ માટે ડોલરનાપ્રોક્સી હેજ તરીકે પણ ક્રૂડ મહત્વની એસેટ છે. નેચરલ ગેસમાં આ સપ્તાહે જોરદાર ઉછાળો હતો. હરીકેન મેથ્યુ વિકએન્ડમાં ત્રાટકવાનું હોઇ ગેસમાં ખરીદી વધી હતી. રૂપિયામાં વોલેટીલીટી વધી છે. સ્પોટ રૂપિયામાં રેન્જ 66.48-67.37 દેખાય છે.એગ્રી કોમોડિટીમાં બજારો દિશાવિનાના છે. ચોમાસું કિસાનો અને બજાર સાથે આંખમીચોલી રમી રહ્યું છે.
 
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તેલંગાણામાં કપાસ અને સોયાબીનના પાકોને થોડુ નુકશાન છે. સૌથી વધુ નુકશાન રાજસ્થાનમાં ગવાર અને થોડુ નુકશાન મગફળીને પણ છે. પાછોતરા વરસાદથી ગુજરાતમાં મગફળી અને કપાસને સારો ફાયદો થયો છે. મહારાષ્ટ્રમાં પાક જોનારા 1.25 કરોડ અને 1.50 કરોડ ગાંસડીની વાતો કરે છે. મહારાષ્ટ્રનું યિલ્ડ જોતા 100 કરોડ ગાંસડીથી વધુ ન આવે. અત્યારે પાકના વર્તારા મુકવા વહેલુ ગણાય. કપાસ અને કપાસિયા ખોળમાં વેચવાલી છે. હાજરમાં ખોળના વેપારો ખોરવાયેલા છે. હવે સિઝન દેવદીવાળી પછી જ ચાલુ થઇ શકે. વાયદાઓમાં આવનારા દિવસોમાં અનિયમિત વધઘટ આવશે. હાજર બજારો બંધ હોય ત્યારે મેનિપ્યુલેટર્સને મજા પડી જાય છે ! રૂમાં ઘરઘરના ભાવ છે. બધા પોતપોતાના વેપારો મુજબ ધ્યાન અને આંકડાઓ મુકે છે. 
 
તેલિબીયાંમાં રાયડામાં ધીમો ઘસારો છે. ક્રશિંગ ઓછા થતા માલની અછત દેખાતી નથી. સોયાબીનનો પાક સારો છે, પણ ખુબ સારો-ખુબ મોટો નથી. સોયાતેલમાં અને પામતેલમાં નીચા મથાળે લેવાલી હતી. કરિયાણા બજારમાં જીરૂમાં બજાર ટકેલું હતું. નીચા મથાળે મંદીવાળા પ્રોફિટ બુક કરતા હતા. ધાણા-હળદરની ચાલ બેઠંગી રહી હતી. ગવાર અને ગમમાં તેજીવાળા વચ્ચે બરાબરની રસાકસી છે. ગવારના પાકને નુકશાન છે. વાવેતર પણ ઓછા છે, ચાલુ વરસે પાકમાં પોલ છે. જુનો માલ ઘણો છે એટલે બાયરને ઉતાવળ નથી. પણ સટ્ટોડિયાઓનો મૂડ ફુલગુલાબી તેજીનો છે. ગવાર-સોયાબીન-તેલ-તેલ-રાયડાકપાસિયા ખોળ સિવાયના વાયદા ખાંડ, મકાઇ, ઘઉં, જવામાં વોલ્યુમ ઘણા પાંખા છે. અત્યારે તો બધાની નજર કોમોડિટી ઓપ્શન ટ્રેડિંગ પર જ છે.
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ECB bond tapering symbols of bonds, gold and silver dropped by Biren Vakil
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.