• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Government Gives Big Relief For PAN Detail To Jewellers For Buying More Than Rs.50,000

27 વસ્તુમાં GST ઘટાડાયો, બે લાખની જ્વેલરીની ખરીદી સુધી PAN નહીં

નવી દિલ્હી:જીએસટી લાગૂ થયાના ત્રણ મહિના બાદ શુક્રવારે જીએસટી કાઉન્સિલે નાના-મધ્યમ વેપારીઓને રાહત આપતા મહત્ત્વના નિર્ણયો કર્યા હતા. સરકારે 27 જેટલી ચીજવસ્તુઓ-સેવાઓના દરમાં ઘટાડો કરવાની સાથે દોઢ કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર ધરાવનારાઓને માસિક નહીં પણ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપી હતી. સાથે કોમ્પોઝીશન સ્કીમનો લાભ લેવા માટેની મર્યાદા 75 લાખથી વધારીને એક કરોડ રૂપિયા કરાઈ છે.
 
રિફંડની વ્યવસ્થાને સરળ બનાવતા કાઉન્સિલે 1લી એપ્રિલથી ઇ-વૉલેટ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઇ-વે બિલ, ટીડીએસ તથા ટીસીએસ પરનો અમલ 2018 સુધી મોકૂફ રખાયો છે. નિકાસકારોને 10 ઓક્ટોબરથી જુલાઇનું અને 18 ઓક્ટોબરથી ઓગસ્ટનું રિફંડ ચૂકવી દેવાશે. સૌથી મહત્ત્વની જાહેરાત જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર માટે કરાઈ છે. બે લાખ સુધીની ખરીદી સુધી પાનકાર્ડ આપવું પડશે નહીં. શુક્રવારે નાણાપ્રધાન અરૂણ જેટલીના વડપણ હેઠળ મળેલી જીએસટી કાઉન્સિલની 22મી બેઠકમાં નિર્ણયો લેવામાં આવ્યા હતાં. હવે પછીની બેઠક ગુવાહાટીમાં મળવાની છે.
 
- 27વસ્તુમાં GST ઘટાડાયો, આ જાહેરાતનો સૌથી વધુ ફાયદો ગુજરાતને મળશે
- જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને મનીલોન્ડરિંગમાંથી બહાર કારાયું
- નિકાસકારોને રિફંડ માટે ઇ-વોલેટ
- કમ્પોઝિશન સ્કીમની મર્યાદા 75 લાખથી એક કરોડ
- મેનમેડ યાર્ન પરનો દર 18%થી 12%, જરી જોબવર્કનો દર 12%થી 5%
- હવે 50,000 ના બદલે બે લાખની જ્વેલરીની ખરીદી સુધી PAN નહીં
- હોમિયોપેથી દવાઓ પર 12 ટકાથી 5 ટકા, બાળકોના ફૂડ પેકેટ 18થી 5 ટકા
- ખાખરા તથા રોટલી, અનબ્રાન્ડેડ નમકીન પરનો જીએસટીનો દર 5 ટકા
- સંખ્યાબંધ સ્ટેશનરી વસ્તુ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડી 18 ટકા
- દોઢ કરોડના ટર્નઓવરવાળાઓ માટે મહિનાના બદલે ત્રિમાસિક રિટર્ન
 
ગુજરાતના કાપડના વેપારીઓને રિઝવ્યા
 
જીએસટીના વિરોધમાં ઉગ્ર આંદોલન છેડનાર અમદાવાદ, સુરત સહિતનાં શહેરોના વેપારીઓને શુક્રવારે મોટી રાહત મળી છે. જીએસટી કાઉન્સિલે યાર્ન પરનો જીએસટીનો દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની જાહેરાત કરી છે. તો જરીવર્ક સહિતના વિવિધ જોબવર્ક પરનો દર પણ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે. સરકારે કોમ્પોઝીશન સ્કીમ હેઠળની મર્યાદા પણ 75 લાખથી વધારીને 1 કરોડ કરી છે તથા 20 લાખથી ઓછા ટર્નઓવર પરનો ઇન્ટર સ્ટેટ ટેક્સ નાબૂદ કર્યો છે. હવે દોઢ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ત્રણ મહિને રિટર્ન ફાઇલ કરી શકશે. જાહેરાતોનો સીધો ફાયદો ટેક્સટાઇલ સેક્ટર સાથે સંકળાયેલા વેપારીઓ-મેન્યુફેક્ચરર્સને મળશે. તહેવારોને કારણે કાપડના વેપારીઓની દિવાળી સુધરશે તેમ મનાય છે.
 
તહેવારો અને લગ્ન સિઝનમાં ફાયદો થશે
 
સરકારની જાહેરાતથી તહેવારો અને લગ્નની આગામી સિઝનમાં લોકોને મોટી રાહત મળશે. હવે 50 હજાર રૂપિયાથી વધુના દાગીનાની ખરીદી પર પાન દર્શાવવું ફરજિયાત નથી. એટલે કે જ્વેલર્સે હવે દાગીનાની ખરીદી કરનારાઓની વિગતો ફાઈનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટને આપવાની જરૂર નહીં રહે. તેના માટે મની લૉન્ડરિંગ એક્ટમાં કરાયેલા ફેરફારો પરત લેવાયા છે. સાથે જીએસટી કાઉન્સિલે વિવિધ 27 ચીજવસ્તુઓના દરમાં ઘટાડો કરતા વેપારીઓ-લોકોને મોટી રાહત મળી છે. ચીજવસ્તુઓમાં ખાખરા, અનબ્રાન્ડેડ નમકીન, સ્ટેશનરી સહિતની વિવિધ ચીજવસ્તુઓ સામેલ છે. કાપડ તથા સોના-ચાંદીના વેપારીઓને પણ કાઉન્સિલે રાહત આપી છે, જેનો સીધો ફાયદો સિઝનમાં ગ્રાહકોને પણ મળશે.
 
આગામી ચૂંટણીનો લાભ લેવાનો આશય
 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને 2018માં મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ સહિતનાં 8 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે જીએસટી કાઉન્સિલના નિર્ણયો સૂચક માનવામાં આવે છે. ખાસ કરીને જાહેરાતોના કારણે જીએસટી સામે રોષે ભરાયેલા વેપારીઓને મનાવવાનો પ્રયાસ કરાયો છે. રિટર્ન ફાઇલ કરવાની મુદતમાં વધારો તથા કોમ્પોઝીશન સ્કીમની મર્યાદામાં વધારા સહિતના નિર્ણયો ચૂંટણીમાં સીધો ફાયદો પહોંચાડે એવા છે. જે 27 ચીજવસ્તુઓ-સેવાઓ પરનો દર ઘટાડવામાં આવ્યો છે તેનો મહત્તમ લાભ ગુજરાતને થશે. ખાખરા-નમકીન પરના દરમાં ઘટાડો, જરીવર્ક, ઇમિટેશનના જોબવર્ક પરનો દર પણ ઘટાડવામાં આવ્યો છે, જેનો સીધો લાભ ગુજરાતના લોકો-મેન્યુફેક્ચરર્સને થશે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government gives big relief for PAN detail to jewellers for buying more than Rs.50,000
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.