• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Karobar Jagat »Arth Jagat» Should Money Be An Important For Planning

પૈસા હોય તો જ પ્લાનિંગ થઇ શકે...?

પૈસા હોય તો જ પ્લાનિંગ થઇ શકે...?
મર્મ જાણ્યા સિવાની વાત તમામ માટે સામાન્ય બનીને રહી જાય છે...
 
બે મજૂરો સામાન ઉચકવાની મજૂરી કરે તેના બદલામાં શેઠ તેમને રોજ રૂ. 50 અને નીચે ઢોળાયેલા અનાજનું એક એક કીલો મિશ્રણ પણ આપે. એક મજૂર મજૂરીએ ટિફીનમાં ખીચડો ભરીને લઇ જાય. જ્યારે બીજો મજૂર રોજ દાળ-ભાત-શાક, રોટલી, કઠોળ, પાપડ ભરીને લઇ જાય. તેથી પહેલો મજૂર રોજ શેઠને ફરીયાદ કરે કે આની ઉપર ધ્યાન રાખજો, અમને બન્નેને એકસરખી જ મજૂરી મળે છે પણ મારો બેટો રોજ ચકાચક ટિફીન લઇને આવે છે. શેઠે નજર નાંખી તો ખ્યાલ આવ્યો કે પહેલો મજૂર મજૂરીના પૈસા સટ્ટા-જુગાર અને દારુ-બીડીમાં ઉડાડીને અનાજના મિશ્રણનો ખીચડો બનાવીને ખાતો હતો.
 
જ્યારે બીજો મજૂર મજૂરીના પૈસામાંથી તેલ-ઘી-મસાલા ખરીદીને અને બાકીના પૈસાની બચત કરીને બચત-મૂડીરોકાણ હતો. અનાજના મિશ્રણમાંથી ઘઊં, ચોખા, દાળ, કઠોળ અને ભૂકો છૂટો પાડીને તેમાંથી દાળ-ભાત-શાક, રોટલી, કઠોળ-પાપડ અલગ અલગ બનાવીને ખાતો હતો. ફુડ સોલ્યુશન્સ બિઝનેસ સાથે સંકળાયેલા મિત્ર મહેશભાઇ પઢીયારે કહેલી  આ વાતનો સાર એટલો જ કે, તમારી અને પડોશમાં નોકરી કરતાં કે રહેતા લોકોની કમાણી એકસરખી હોઇ શકે, પરંતુ લાઇફ સ્ટાઇલ તો અલગ જ રહેવાની તેની પાછળનું મુખ્ય કારણ હોય છે તમારી માનસિકતા અને આયોજનનો ફરક. એક મિત્રને ફાઇનાન્સિયલ પ્લાનિંગ અંગે સમજાવવા પ્રયાસ કર્યો તો તેમને એમ કે, મને કમિશન મળતું હોય તેવાં સાધનમાં મૂડીરોકાણ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું.
 
તેથી તેમણે વારંવાર એકજ રટણ કર્યે રાખ્યું કે, પૈસા જ નથી. ત્યારે મેં સમજાવ્યું કે, એટલો બધો પૈસો હોય તો પ્લાનિંગની ક્યાં જરૂર રહી. પરંતુ પૈસા કેમ નથી રહેતાં તેનું પ્લાનિંગ કરવા માટે સમજાવવું છે. નવું મૂડીરોકાણ કરવાની નહિં, બલ્કે હાલના મૂડીરોકાણને અસરકારક મૂડીરોકાણમાં કેવી રીતે કન્વર્ટ કરી શકાય તેનું પ્લાનિંગ કરવાનું છે. દૂધનો દાઝ્યો છાશ ફુંકી ફુંકીને પીએ એ કહેવતને વળગીને છાશ ફુંકીને પીવાની કુપ્રથા શરૂ કરવાના બદલે ગરમ દૂધ ફુંકીને પીઓ તો... જોકે, સોસિયલ સિક્યોરિટીનો અભાવ અને આર્થિક સ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. ભારતમાં રોકાણકારો ચાર પ્રકારની નિવૃત્તિ સાથે સંકળાયેલા રહે છે.
 
 
 
નિવૃત્તિ વય પૂર્વે નિવૃત્ત થવાનો વિચાર સુધ્ધાં આવ્યો છે ખરો?
પ્રિ-રિટાયરમેન્ટ|સરકારી-અર્ધસરકારી નોકરીમાં પેન્શન-ગ્રેજ્યુઇટી સહિતના લાભોની રકમ પાંચ વર્ષ સુધીની પગારની રકમ જેટલી જ સેટ થઇ જતી હોય તો રિટાયરમેન્ટ લઇને અન્ય નોકરી-ધંધામાં પ્રયાસ કરે છે અથવા તો પેન્શન અને વ્યાજની આવકમાં સંતોષ માનીને બાકીની લાઇફ રિટાયરમેન્ટ માટે જ ફાળવે છે. ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલા 100માંથી માંડ 5 ટકા લોકો જ 55-60 વર્ષની વયે એવું વિચારીને નિવૃત્ત થાય છે કે, તેમની પાછળની પેઢી બાકીનું સંભાળી શકશે. જ્યારે 95 ટકા લોકો.....જાત-મહેનતથી ઊભું કરેલું છે ક્યાંક વેડફાઇ જશે એવું માનીને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી થડો (વહીવટ) છોડવાની હિંમત કરી શકતાં નથી.
 
ઇન્ટરમિશન-મધ્યાંતર| મોટાભાગના લોકો રિટાયરમેન્ટ પછી આર્થિક પ્રવૃત્તિ ના કરવી અથવા તો એટલિસ્ટ 2-3 વર્ષ આરામ કરવો છે તેવું વિચારતા હોય છે. પરંતુ લાઇફ-ફાઇનાન્સિયલ પ્લાનિંગના પૂર્વ આયોજનના અભાવના કારણે 2-3 મહિનામાં જ કંટાળીને કે મજબૂરીથી ફરી પાછા ઘાણીના બળદ જેવી લાઇફમાં જોતરાઇ જાય છે.
 
એ કપાસિયા એના એ| ચોથા-પાંચમાં ધોરણમાં એક પાઠ આવતો હતો કે, અંધારી કોઠીમાં પુરાયેલા કપાસિયાને કોઠીમાંથી બહાર કાઢવામાં આવ્યા એટલે ખુલ્લી હવા અને મુક્ત વાતાવરણના કારણે કપાસિયા તો ગેલમાં આવી ગયા. બળદગાડામાં ઘરથી ખેતર સુધી પ્રવાસનો આંનદ, પાણીનો છંટકાવ, ખુલ્લી ધૂપમાં શેકાવાનો આનંદ, ફરી પાછા જમીનમાં દટાઇ, બફાઇને વરસાદના પાણીના અહેસાસ અંકૂર ફુટવાનો અને કપાસના જિંડવામાં નવી જ જિંદગીનો આનંદ, ફરી પાછા કપાસમાંથી છૂટા પડીને ખુલ્લા વાતાવરણની ખુશ્બુનો આનંદ... એમ સળંગ ત્રણ-ચાર માસની મુક્તિનો આનંદ માણ્યા પછી ફરી પાછા બાકીના 8-9 મહિના પેલી અંધારી કોઠીમાં જ પુરાઇ જવાની જિંદગી.... ટૂંકમાં આ વાર્તાને માત્ર વાર્તા અને ચાર-પાંચ માસની પરીક્ષાલક્ષી સામગ્રી સમજીને ભૂલી જનારા સામાન્ય માણસોની જિંદગી પણ કપાસિયા જેવી જ રહે છે. ટૂંકમાં મર્મ જાણ્યા સિવાયની તમામ વાત અને પ્રવૃત્તિ શિક્ષક હોય કે વિદ્યાર્થી તમામ માટે સામાન્ય બનીને રહી જતી હોય છે....
 
રેસ્ટ, રિલેક્સ એન્ડ એન્જોય|રૂટિન લાઇફ અને ફાઇનાન્સિયલ એક્ટિવિટીમાંથી પ્લાનિંગ સાથે વાસ્તવમાં રિટાયરમેન્ટ મેળવીને રેસ્ટ (આરામ), રિલેક્સ (હળવાશ) અને એન્જોય (આનંદ) માણવા માટે કેટલાં લોકો નસીબદાર હોય છે તેના આંકડાની કડાકૂટમાં પડવું છે કે, તમારે પણ તેમાં જોડાવું છે....ચોથા પ્રકારની નિવૃત્તિ લેનારા લોકો રૂટિન લાઇફ અને ફાઇનાન્સિયલ એક્ટિવિટીમાંથી નિવૃત્ત થયા પછી કોકડું વળીને સૂઇ નથી જતાં પરંતુ કંઇક નવી જ લાઇફ અને ફાઇનાન્સિયલ એક્ટિવિટી સાથે જોડાય છે. પોતાની નિપુણતાનો ઉપયોગ પરીવારને પુરતાં પ્રમાણમાં આપ્યા પછી સમાજના કલ્યાણ માટે કરે છે. જોકે એક કરેકશન જરૂરી છે કે, કમાણી અને રિટાયરમેન્ટ લાઇફ સમાજના કામમાં આવવી જોઇએ તેમ કહીને ફરી જોતરાતાં 50 ટકા રોકાણકારો મૂળ ઉદેશ્યને ભૂલીને ભૂવો ધૂણે તો ઘરભણી વાળી કરીને સામાજિક ઉત્તરદાયિત્વને ભૂલીને રિટાયરમેન્ટ પછીની લાઇફ અને કમાણી પરીવાર પાછળ જ વેડફી નાંખતાં હોય છે.
 
ઈપીએસ મહેશ ત્રિવેદી
(Arth Jagat Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Karobar Jagat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Should Money be an important for planning
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.