• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Need To Activate Farmers Affordable Prices For Vegetables By Ajay Naik

ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો માટે સક્રિય પ્રયાસ જરૂરી

ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો માટે સક્રિય પ્રયાસ જરૂરી
ગયા સપ્તાહે સુરત એ.પી.એમ.સી. માર્કેટમાં ખેડૂતો દ્વારા શાકભાજીના ભાવના મુદ્દે કરાયેલો હોબાળો ચર્ચામાં રહેવા પામ્યો હતો. ઘણા લાંબા સમયથી ખેડૂતો તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળે તે માટે માગણી કરી રહ્યાં હતાં પરંતુ એ.પી.એમ.સી.ના સત્તાવાળાઓ તેમના ગાંઠતા નહોતા. એક તબક્કે એવું થયું કે, ભીંડા અને પરવળ જેવા શાકભાજીના ભાવ નિયત ભાવથી પણ ઓછી કિંમતે વેચાતા ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ખેડૂતો એવું માને છે અને જે રીતે એ.પી.એમ.સી.નો કારભાર છે તેને ધ્યાનમાં લેતા ચોક્કસપણે તેવુ લાગે છે કે, ખેડૂતોના જ પ્રતિનિધિઓ ખેડૂતહિતના પગલા ભરવાને બદલે રાજકીય હિત જાળવવા માટે પગલા ભરતા હોય તેવુ વિશેષ લાગતું હતું.

એ.પી.એમ.સી. સામેની ફરિયાદ માત્ર સુરતની નથી. સમગ્ર દેશમાં ખેડૂતોનો આક્રોશ આ માટે જોવા મળે છે. તેનુ મૂળ કારણ એ છે કે, એ.પી.એમ.સી.ના હોદ્દેદારો તરીકે રાજકીય પક્ષના નેતાઓ કે રાજકીય પક્ષો સાથે આડકતરી રીતે સંકળાયેલી વ્યક્તિઓ જ બેસતી હોય છે. પરિણામે તેઓ ખેડૂતોનું હિત જાળવવાના બદલે રાજકીય ગણતરી કરીને નિર્ણય લે છે. સામાન્ય રીતે એ.પી.એમ.સી.ની કામગીરી પ્રમાણે ખેડૂતો બજારમાં જે ઉત્પાદનો લાવે તેનું એક લઘુત્તમ દર નક્કી થયેલો હોય છે અને તેના આધારે હરાજી કરવાની હોય છે. પરંતુ કોઈને કોઈ કારણોસર એવુ થતુ નથી. કેટલીકવાર તો ખેડૂતોને પડતર કિંમત પણ નીકળતી નથી. આથી સ્વાભાવિક છે કે, ખેડૂતોનો આક્રોશ એ.પી.એમ.સી.ના હોદ્દેદારો પર ફાટી નિકળે!
 
થોડા સમય અગાઉ કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ઓનલાઈન મંડીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે હાલમાં 200 ઠેકાણે પાઇલટ પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યા છે. તેના કેવા પરિણામો મળે છે તે તો હવે ખ્યાલ આવશે પરંતુ દેશના વિવિધ ભાગોમાં રહેતા ખરીદનાર અને વેચનારને એક પ્લેટફોર્મ પર લાવવાનો આ એક ઉત્તમ પ્રયાસ છે. પરંતુ આ પધ્ધતિની સમસ્યા એ છે કે, ડિજીટલ ઇન્ડિયાની વાતો હજુ કાગળ પર હોવાથી તેનો લાભ ખેડૂતો લઈ શકતા નથી. આ માટે ગામડાઓમાં બ્રોડબેન્ડ નેટવર્ક મજબૂત બનાવવું પડે તો જ તેનો લાભ ખેડૂતોને મળી શકે. આ દિશામાં હજુ પૂરતુ કામ થયું નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેનો એક ઉપાય એ છે કે, વિવિધ અનાજના ટેકાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે એ જ રીતે શાકભાજી જેવા ઉત્પાદનોના ટેકાના ભાવ એ.પી.એમ.સી. દ્વારા નક્કી કરાય, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે.
 
 આ માટે માત્ર એ.પી.એમ.સી.ના હોદ્દેદારોની સાથે ખેડૂતોના પ્રતિનિધિઓને પણ સ્થાન આપવામાં આવે તો આ સમસ્યા કંઈક અંશે હળવી બની શકે. પરંતુ ખેડૂતોના કહેવાતા પ્રતિનિધિઓ પણ ખેડૂતોનું હિત સાચવતા નથી. આથી જ ઘણીવાર આપણે ખેડૂતો દ્વારા તેમના ઉત્પાદનો રસ્તા પર ફેંકવાના કે પાંજરાપોળને આપવાના બનાવો અંગે સાંભળતા રહીએ છીએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતો માટે ધિરાણથી લઈ પાક વીમા યોજના સુધીની અનેક યોજનાઓ જાહેર કરે છે પરંતુ ઉત્પાદનોના ભાવને સ્થિર રાખવા કે ખેડૂતોને પૂરતુ વળતર મળી રહે તે માટેનું મિકેનીઝમ ગોઠવવા એક અલગ ભંડોળ ઊભુ કરવા અંગે વિચારતુ નથી. આવુ જો ભંડોળ રચાય તો તે એક પ્રકારે બેલેન્સ ફંડ તરીકે કામ કરે અને જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ મળતો ન હોય ત્યારે આ ભંડોળમાંથી રકમ ચૂકવવામાં આવે. જો આવુ ગોઠવાય તો ખેડૂતોની સમસ્યાનો કંઈક અંશે ઉકેલ લાવી શકાય. 
 
બીજી સમસ્યા ખેડૂતો દ્વારા ચોક્કસ ઉત્પાદનો અંગે આડેધડ કરાતા વાવેતરની પણ છે. જો ખેડૂતોને શિક્ષિત કરવામાં આવે કે આગામી સમયમાં અમુક ઉત્પાદનોની ઘટ હોવાથી તેનુ વાવેતર વધારાય તો ખેડૂતોને યોગ્ય વળતર પણ મળે અને જરૂરિયાત પણ સંતોષાય. આ કામ પણ એ.પી.એમ.સી.ના સહયોગમાં જ થઈ શકે. આ ઉપરાંત કૃષિ યુનિવર્સિટી તથા બજાર પરિબળ પણ તેમાં અગત્યનો ભાગ ભજવી શકે તેમ છે. હકીકતમાં તમામ પક્ષકારોને સાથે રહીને એક અલગ જ કમિટી બનાવવામાં આવે જે માત્ર ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા અંગે જ નિર્ણય કરે. કોઈક સ્તરેથી પણ જો આ શરૂઆત થશે તો તે ખેડૂતોની મોટી સેવા કરી કહેવાશે. 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.