• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Farmers Sugarcane Acreage Increase Is Necessary By Ajay Naik

ખેડૂતો શેરડીનો વાવેતર વિસ્તાર વધારે તે જરૂરી

ખેડૂતો શેરડીનો વાવેતર વિસ્તાર વધારે તે જરૂરી
(તસવીર પ્રતિકાત્મક)
 
ગયા સપ્તાહે દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર ફેક્ટરી દ્વારા ખાંડના ભાવ જાહેર કરવામાં આવ્યાં. એમાં બે - ત્રણ સુગર મીલ દ્વારા તો ઐતિહાસિક ભાવ જાહેર કરવામાં આવ્યો છે. હકીકત એ છે કે, છેલ્લા કેટલાક સમયથી ખાંડના ભાવમાં વધ - ઘટ થઈ રહી હોવાથી શેરડીના ઊંચા ભાવ જાહેર કરાતા નહોતા, પરિણામે ખેડૂતો પણ શેરડી વાવેતરથી વિમુખ થઈ ગયા હતાં. ઘણાં ખેડૂતોએ અન્ય પાક તરફ નજર દોડાવી હતી, પરિણામે વાવેતર ઘટતા સ્વાભાવિક રીતે જ તેનુ ઉત્પાદન પણ ઘટ્યું હતું. ચાલુ વર્ષે શેરડીના ઊંચા ભાવ જાહેર થવાનું કારણ પણ કદાચ આ જ છે.
 
એક મત એવો પણ છે કે, સુગર મીલે ગત વર્ષની સ્ટોક વેલ્યુની બચતનો ઉપયોગ ઊંચા ભાવ આપવામાં કર્યો છે. લગભગ આજથી ચાર - પાંચ વર્ષ અગાઉ સુગરમાં તેજીનો માહોલ હતો ત્યારબાદ પરિસ્થિતિ બગડી હતી અને શેરડીના ભાવ 1500 થી 2100 સુધી પહોંચી ગયા હતાં. આથી ખેડૂતો બીજા પાક તરફ વળી ગયા હતાં. બીજી બાજુ વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ વધતા છેલ્લે છેલ્લે શેરડીના પોષણક્ષમ ભાવ મળ્યાં હતાં. સુગર ફેક્ટરી હાલમાં શેરડીના પુરવઠાના ઘટની સમસ્યાનો પણ સામનો કરી રહી છે તેનું કારણ એ છે કે, શેરડીના વાવેતર વિસ્તારની આજુ બાજુ શહેરીકરણ વધવાને કારણે જમીન ઘટી છે. આથી કદાચ ભાવ વધારાનું કારણ એવુ પણ છે કે, ખેડૂતો વાવેતર માટે આકર્ષાય. હાલમાં ચલથાણ, સાયણ અને કામરેજ વિસ્તાર એવો છે કે જ્યાં શહેરીકરણ અંત્યંત ઝડપથી થઈ રહ્યું છે, પરિણામે ખેડૂતોને મોં માંગ્યા દામ મળતા તેઓ જમીન વેચી કાઢે છે. આથી શેરડીના પુરવઠા પર અસર થઈ છે.
 
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન શેરડીના ભાવ નીચા રહ્યાં હતાં તે આપણે આગળ જોઇ ગયાં પરંતુ અન્ય એક પરિબળ વરસાદનું પણ હતું. ચોમાસુ અનિયમીત રહેતા એકરદીઠ ઉત્પાદન 25 ટકા સુધી ઘટી ગયું હતું. આથી શેરડીનો પુરવઠો ઘટ્યો હતો. એક અંદાજ પ્રમાણે સુગરમીલ 210 દિવસ ચાલવી જોઇએ તેની જગ્યાએ સરેરાશ 100 થી 110 દિવસ જ ચાલી. માત્ર બારડોલી અને ગણદેવી જેવી સુગરમીલ 143 દિવસ સુધી ચાલી. બીજી બાજુ ખાંડના ભાવ ઊંચા રહેવાના છે તેવી લગભગ તમામને માહિતી હતી જ. ઓક્ટોબર મહિનાથી તેની જાણકારી હતી. સ્ટોક વેલ્યુ જે 2700 રૂપિયા મુકાઈ હતી તેની સામે સુગરમીલને રૂ. 1000 વધુનો ભાવ મળ્યો હતો. બીજી બાજુ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં શેરડીનું ઉત્પાદન પણ ઘટ્યું હતું. આ ઉપરાંત સુગરમીલ દ્વારા મોલાસીસનું બારોબાર વેચાણ કરીને પણ વધારાની આવક ઊભી કરી દેવાઈ હતી. ચાલુ વર્ષે મોલાસીસના ભાવમાં પણ 70 ટકા જેટલો વધારો જોવા મળ્યો. 

પરિણામે ઇથેનોલની બનાવટ માટે મોલાસીસ આપવાના બદલે મીલોએ તેને બારોબાર વેચી મારી. ઇથેનોલ પ્લાન્ટ તમામ સુગર ફેક્ટરી પાસે નથી તેમ છતાં જે સુગરમીલ પાસે ઇથેનોલ પ્લાન્ટ હતો તેમને પણ ફાયદો થયો, કારણ કે ઇથેનોલના ભાવમાં પણ 35 ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. બગાસના ભાવ પણ પોષણક્ષમ મળતા સુગર મીલને ફાયદો થયો છે. આ બધા પરિબળોને પગલે સુગરમીલ દ્વારા શેરડીના ભાવમાં ઐતિહાસીક વધારો જાહેર કરાયો છે. પણ આ બધામાં મહત્વની વાત એ છે કે, ખેડૂતો દ્વારા શેરડીનો વાવેતરનો વિસ્તાર વધારવા જોઇએ. જો તેમ થશે તો આગામી વર્ષોમાં પણ ખેડૂતોને આનાથી પણ વધુ ભાવ મળી શકે તેમ છે. કેટલાક ખેડૂત આગેવાનોના જણાવ્યા મુજબ શેરડીના ભાવ હજુ પણ 500 થી 700 રૂપિયા સુધી વધુ મળી શક્યાં હોત, પરંતુ કેટલાક કારણોસર તેમ થઈ શક્યું નથી. આગામી વર્ષે પણ ખેડૂતોને આટલી માત્રામાં ભાવ મળે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત જો તેઓ શેરડીનું વાવેતર વધારશે તો પણ તેમને અવશ્યપણે ફાયદો થાય તેવી શક્યતા છે. ઓછા વિસ્તારમાં વધુ ઊપજ માટે ખેડૂતો આધુનિક ટેક્નોલોજી અપનાવે એ પણ જરૂરી છે.

સુગર ફેક્ટરીઓએ જાહેર કરેલા ભાવ
સુગરમિલ     ઑક્ટો-ડિસે.     જાન્યુઆરી      ફેબ્રુઆરી      માર્ચ    કપાત  
બારડોલી     3954    3954    4104    4254    14 
મઢી     3504    3504    3584    -    24 
ચલથાણ     3856    3856    4006    4056    06 
કામરેજ     3506    3506    3566    -    6 
સાયણ     3705    3705    3765    3805    5 
મહુવા     3434    3434    3534    -    9 
ગણદેવી     4441    4541    4641    4751    5
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Farmers Sugarcane acreage increase is necessary by Ajay Naik
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.