• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Economy» Country's Total Exports In 2016-17 Will Be A Serious Blow By Ajay Naik

2016-17માં દેશની કુલ નિકાસોને પણ ગંભીર ફટકો પડશે

2016-17માં દેશની કુલ નિકાસોને પણ ગંભીર ફટકો પડશે
એક મહિનો થયો નોટબંધીને. પરિસ્થિતિ હજુ પણ ત્યાંની ત્યાં જ છે. કદાચ વણસી રહી છે. ભલે અત્યારે બધા એવુ કહેતા હોય કે, લાંબા ગાળા માટે આ પગલુ યોગ્ય છે પરંતુ હાલમાં તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ દેશમાં વિવિધ ભાગમાંથી નવી ચલણી નોટો જથ્થાબંધ માત્રામાં મળી રહી છે. આ સ્થિતિમાં સામાન્ય માણસને એવો વિચાર આવે છે કે, તેમને હાલાકી ભોગવવી પડે છે જ્યારે વગદાર માણસો કઈ રીતે આટલી મોટી માત્રામાં નવી ચલણી નોટો લઈ આવે છે. 

ગામડામાં ખેડૂતોની સ્થિતિ સૌથી વધુ ખરાબ છે, તેનું કારણ એ છે કે ખેડૂતો મોટા ભાગે રોકડ વ્યવહાર જ પસંદ કરતા હોય છે. તેમના બજાર સાથેના તથા સમાજ સાથેના સંબંધો રોકડ આધારીત હોય છે. આ સ્થિતિમાં ખેડૂતો પાસે જે રોકડ હાથ પર હતી તે જૂના ચલણની હતી. પાપડી ભેગી ઇયળ બફાય એ ન્યાયે ખેડૂતોને પણ હવે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતો પાસે કાળા નાણાં હોવાનું કોઈ કારણ નથી તેમ છતાં તેઓ ભોગ બની રહ્યાં છે. વાવણીના સમયે તેમને બેંકોની લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી અને હવે એ.પી.એમ.સી.માં તેમને રોકડ રકમ નહીં અપાતા તેમના ઉત્પાદનોનો બગાડ તેમને સહન કરવાનો વારો આવ્યો છે. નોટબંધી પછીના એક - બે સપ્તાહ દરમિયાન ઘણી એ.પી.એમ.સી. બંધ રહેવા પામી હતી. આ સમયે ખેડૂતોને તેમના ઉત્પાદનો અંત્યંત નીચા ભાવે વેચી દેવાની અથવા તો તેને ફેંકી દેવાની ફરજ પડી હતી. પરિસ્થિત હજુ સુધરી હોય તેમ જણાતુ નથી. 
કપાસ ક્ષેત્રે ભારત મોખરાનું સ્થાન ધરાવે છે. નોટબંધીની અસરને કારણે કપાસની નિકાસને ઘણી અસર થઈ છે. લગભગ 10 લાખ ગાંસડી કપાસની નિકાસ થઈ શકી નથી. ખેડૂતો રોકડ પસંદ કરતા હોવાથી તેઓ આ કપાસનું વેચાણ કરી રહ્યાં નથી. સરકારી એજન્સી તેમને ચેક કે અન્ય માધ્યમથી પેમેન્ટ કરવા માંગે છે. ખેડૂતો વર્ષોથી રોકડ વ્યવહાર જ કરતા હોવાથી તેમને આ વ્યવસ્થા પસંદ નથી, આ કારણે કપાસનો આટલો મોટો જથ્થો પડી રહ્યો છે. વિદેશી ખરીદદારો પણ આ કારણે અમેરિકા, બ્રાઝિલ, આફ્રિકન દેશ તરફ વળ્યા છે. દેશની 2016-17ના વર્ષ માટેનુ બજાર વર્ષ ઓક્ટોબરથી શરૂ થયું છે. બજારમાં કપાસનો પૂરતો જથ્થો નથી. આથી સ્વાભાવિક છે કે, વિદેશી ખરીદદારો અન્ય બજાર તરફ વળ્યા છે. 

સામાન્ય રીતે નવેમ્બર મહિનો કપાસની મુખ્ય સિઝન ગણાય છે પરંતુ એ સમયે જ ખેડૂતોને બેંકોની લાઈનમાં ઊભા રહેવુ પડ્યું છે, આથી તેઓ કપાસના બજાર તરફ ધ્યાન આપી શક્યા નથી. ચાલુ વર્ષે 350 લાખ ગાંસડી કપાસની મબલખ ઉત્પાદન થવાનું હતું. તેમાંથી 20 લાખ ગાંસડીની નિકાસ ચીન, વિયેતનામ, બાંગ્લાદેશ અને પાકિસ્તાન માટે થવાના કરાર થયાં હતાં.તેનું શીપમેન્ટ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન થવાનું હતું. પરંતુ નોટબંધી આવી પડતા નિકાસકારો માત્ર 3 લાખ ગાંસડી મેળવી શક્યા છે. આથી 10 લાખ ગાંસડી નિકાસ નવેમ્બર અને ડિસેમ્બરમાં થવાની હતી તે શક્યુ બન્યું નથી.
 
આથી વિદેશી ખરીદદારો અન્ય દેશ તરફ વળ્યા છે. માત્ર કપાસની વાત નથી પરંતુ દેશમાંથી થતી તમામ ચીજ - વસ્તુની નિકાસને નોટબંધીને કારણે અસર પડવાની છે. દિવાળી પછી એ.પી.એમ.સી.માં નવો પાક આવતો હોય છે અને તે સમયે જ નિકાસ બજાર પણ શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે પરિસ્થિતિ ઉલટી થવા પામી છે. ખેડૂતોને રોકડ સિવાય બીજામાં રસ નથી પરિણામે તેઓ તેમનો માલ વેચી રહ્યાં નથી. એક બાજુ કૃષિ ઉત્પાદન વધ્યુ છે તો બીજી બાજુ સારો ભાવ મળવા છતાં ખેડૂતો રોકડના અભાવે તેને વેચવા માગતા નથી. આની એક અસર એ થઈ છે કે, ભારતમાંથી કપાસનો પાક ઓછો મળવાની ભીતિથી અમેરિકામાં કપાસના પાકમાં વધારો જોવા મળ્યો છે, પરંતુ ખેડૂતો તેનો લાભ લઈ શકે તેમ નથી. અમેરિકા બાદ બ્રાઝિલ અને આફ્રિકન દેશો પણ ભાવ વધારે તો નવાઈ નહીં. 
 
દેશના ખેડૂતો માટે ચિંતાનો વિષય એટલો જ છે કે, આ ભાવવધારાનો લાભ તેમને મળવાનો નથી. ખેડૂતો અત્યાર સુધી ડિજીટલ પેમેન્ટ કે બેંક પેમેન્ટથી અવેર નથી, પરિણામે તેમના માટે આ નવી વ્યવસ્થા સ્વીકારવી મુશ્કેલ બની છે. આવતી સિઝનમાં ખેડૂતો જો રોકડ સિવાયની સિસ્ટમ અપનાવશે તો તેમને ફાયદો થશે આ માટે ખેડૂતોને મોટા પાયે જાગૃત કરવાની જરૂર છે. બીજુ તેમને ઇ-પેમેન્ટની પધ્ધતિ તથા તેની પ્રક્રિયા વિશે પણ શંકા - કુશંકા છે. આથી જ્યાં સુધી એ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી ખેડૂતો નવી સિસ્ટમ અપનાવશે નહીં. પરિણામે ખેડૂતોને વૈશ્વિક બજારથી વંચિત રહેવુ પડશે. સરકાર આ દિશામાં તાકીદે પગલા ભરે તે જરૂરી છે.
(Economy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: country's total exports in 2016-17 will be a serious blow by Ajay Naik
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.