• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Experts »Market» Advance Information That Farmers Can Earn More By Ajay Naik

આગોતરી માહિતીથી ખેડૂતો ઘણું કમાઈ શકે છે

આગોતરી માહિતીથી ખેડૂતો ઘણું કમાઈ શકે છે
(તસવીર પ્રતિકાત્મક)
 
હાલમાં ટેક્નોલોજીનો યુગ ચાલી રહ્યો છે. લગભગ દરેક ચીજ - વસ્તુમાં ટેક્નોલોજી જોવા મળે છે. મોબાઇલ ટેલિફોને આ ક્રાંતિ સર્જી છે. આંગળીના ટેરવે આખી દુનિયા તમે ડોલાવી શકો છો. માત્ર મુઠ્ઠીમાં જ દુનિયાને સમાવી લીધી છે એવું કહીએ તો ચાલે, પરંતુ મોબાઇલની આ ક્રાંતિ રિટેઇલ બજાર અને થિયેટર, હોટલો સુધી જ મર્યાદીત રહેવા પામી છે. છેવાડાના લોકો સુધી આ વસ્તુ પહોંચે તે જરૂરી છે. અહીં વારંવાર ખેડૂતો ટેક્નોલોજીનો ઉપયોગ કરે તેવી હિમાયત કરાઈ રહી છે. પરંતુ આ માટે ખેડૂતો જાગૃત અને અભ્યાસુ બને તે પણ તેટલુ જરૂરી છે. વધુ નહીં તો કંઈ નહીં પણ બેસિક વસ્તુનો એમને ખ્યાલ હોય તો પણ તેમને ઘણો બધો ફેર પડી શકે છે.
કૃષિ ક્ષેત્રે પણ ઘણાં ઉદ્યોગ સાહસિકોએ જાત જાતના નવા પ્રોજેક્ટ કહો કે, સ્ટાર્ટઅપ ચાલુ કર્યા છે. આ અને અન્ય ઘણાં પ્રોજેક્ટમાં અનેક ખેડૂતો જોડાયા પણ છે. તેના પરિણામો પણ સારા મળી રહ્યાં છે. પરંતુ હજુ સુધી જે સ્તરે આ ટેક્નોલોજી અથવા તો નવી સુવિધા ખેડૂતોને મળવી જોઇએ અથવા તો પહોંચવી જોઇએ તેમ થતુ નથી. ખેડૂતો પણ પ્રણાલિગત ખેતીમાંથી બહાર આવતા નથી.
 
નવું કંઈ કરવાનો અભાવ તથા એલર્ટનેસ પણ તે માટે જવાબદાર છે. તાજેતરમાં મુંબઈના એક ઉદ્યોગ સાહસિકે આવુ જ એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યુ છે જેના કારણે નાસિકના ડુંગળીના ખેડૂતોને પંજાબમાં ડુંગળી મોકલવાથી ભાવમાં અનેકગણો ફાયદો થયો છે. આ તો એક દાખલો છે પરંતુ જો ખેડૂતોને આગોતરી માહિતી મળે તો તેમનું વળતર ચોક્કસપણે વધી શકે તેમ છે. રાજીવ ટેવટીયા નામની આ વ્યક્તિએ પોતાની આ સેવા હેઠળ ખેડૂતોને ક્રોપ મેનેજમેન્ટ, ભાવ, ખાતર સંબંધી માહિતી તથા પાકની હેરફેર અને માહિતી આપવામાં આવે છે. આ તમામ માહિતી એક રીતે જોઇએ તો ખેડૂતો માટે ઉપયોગી છે. પરંતુ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે ખેડૂત સુશિક્ષીત હોય, ટેક્નોલોજી જાણતો હોય તથા આધુનિક ખેતી કરતો હોય. મોટા ભાગના કિસ્સામાં એવુ થતું નથી. પરિણામે ખેડૂતોને માર્કેટ હોવા છતાં પણ ગુમાવવાનો વારો આવે છે. ખેડૂતોને તેમના ખેતરથી માર્કેટનું અંતર કઈ જગ્યાએ તેમના ઉત્પાદનો માટે યોગ્ય માર્કેટ છે તે ચોક્કસ પાક માટે કેટલા ખાતરનો વપરાશ વગેરે માહિતી પણ આપવામાં આવે છે. જો કે, આ કોઈ સેવા નથી હોતી. ખેડૂતો પાસે 6 થી 8 હજારની રકમ દર વર્ષે વસૂલવામાં આવે છે. તેમની સામે તેમને લગભગ 900 જેટલા બજાર અને 800 જેટલા વિવિધ પાકનો લાભ મળે છે. 
 
આમ છતાં આ પ્રકારના પ્રયોગો સફળ નહીં થવા પાછળનું કારણ ખેડૂતોની ઉદાસીનતા પણ છે. ખેડૂતોની જે પેઢી હાલમાં ખેતરમાં કામ કરે છે તે લોકો પાસે મોટા ભાગે આ પ્રકારનો સમય હોતો નથી અથવા તો રૂચી પણ હોતી નથી. આથી તેઓ આ પધ્ધતિ ટાળે છે. દેશની કૃષિ યુનિવર્સિટી દ્વારા નીત - નવા પ્રયોગ હાથ ધરવામાં આવે છે. આ પ્રયોગો ઘણી વખત અમલના તબક્કે પહોંચતા નથી. તેમાં પણ ખેડૂતો અને સંશોધકો વચ્ચેની જાગૃતિ અને સંકલનનો અભાવ હોય તેવું જ આ પ્રકારના સ્ટાર્ટઅપના કિસ્સામાં પણ થતું જોવા મળે છે. ખેડૂતો માટે રાજ્ય સરકારો દ્વારા આ પ્રકારે શિક્ષણ આપવામાં આવે, તેમને અવેર કરવામાં આવે તો ખેડૂતોને ચોક્કસપણે ફાયદો થઈ શકે. વિવાદ એ છે કે, ખેતીને પણ એક વ્યવસાય તરીકે અપનાવવામાં આવે નહીં ત્યાં સુધી તેને ઉત્તેજન મળે તેમ નથી. મોટા ભાગના લોકો ખેતીનો ઉપયોગ કર બચાવવા માટે કરતા હોય છે. જે તે વ્યક્તિના હસ્તકની જમીનમાં શું પાકે છે અથવા કેવો પાક લેવો જોઇએ તે માટે કોઈ વિચારતુ જ નથી. આથી જે વ્યક્તિ સંભાળ રાખતી હોય તે પોતાની ઢબે પરંપરાગત ખેતી કરતી રહે છે. 
 
આપણા રાજ્યમાં ઘણી કૃષિ યુનિવર્સિટી આવેલી છે. તેમાંથી દર વર્ષે સેંકડો યુવાનો સ્નાતક થઈને બહાર પડે છે. પરંતુ આ તમામ ખેતી કરવાને બદલે કોર્પોરેટ વર્લ્ડમાં પહોંચી જાય છે. જમીની સ્તરે જે થવું જોઇએ તે થતું નથી. પરિણામે આ કૃષિ સ્નાતકોનો લાભ ખેતીને મળી શકતો નથી. હાલની સ્થિતિમાં ખેતીને એક આકર્ષક વ્યવસાય ગણાવવો હોય કે બનાવવો હોય તો સરકાર પોતે પણ ઇનિસીયેટીવ લે તે જરૂરી છે. આધુનિક ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ વડે જમીનમાંથી પણ સોનુ મેળવી શકાય છે તે દર્શાવવું પડે. આપણે ઇચ્છીએ કે સરકાર આ બાબતે પણ ધ્યાન આપે.
(Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Experts Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Advance information that farmers can earn more by Ajay Naik
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.